ન્યુઝીલેન્ડમાં ઈચ્છા મૃત્યુનો કાયદો લાગુ થઈ ગયો છે. આ કાનૂન હેઠળ હવે લોકો પોતાની મરજીથી મૃત્યુ પામી શકે છે. આ પહેલા કોલમ્બિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લકઝમબર્ગ, સ્પેન, નેધરલેન્ડ્સ અને સ્વીત્ઝર્લેન્ડ જેવા દેશોમાં ઈચ્છા મૃત્યુને કાયદામાં સ્થાન મળી ચૂકયું છે. ન્યુઝીલેન્ડમાં ફકત એ લોકોને મૃત્યુની પરવાનગી મળશે, જે ટર્મિનલ ઇલનેસથી પીડિત છે એટલે કે એવી બીમારી જે છ મહિનામાં જિંદગી ખતમ કરી નાખે છે.
ઈચ્છા મૃત્યુ માટે ન્યુઝીલેન્ડમાં ઓછામાં ઓછા બે ડોકટરોની સંમતિ અનિવાર્ય છે. આ કાયદાને લાગુ કરવા માટે ન્યુઝીલેન્ડમાં લોકમત લેવામાં આવ્યો હતો જેમાં 65 ટકા લોકોએ આના પક્ષમાં વોટ આપ્યા હતા. આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે પણ કેટલાક લોકો માટે આ રાહત આપનારા સમાચાર છે. 61 વર્ષના સ્ટુઅર્ટ આર્મસ્ટ્રોંગ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે, જેનો ઈલાજ નથી. તેમનું કહેવું છે કે હવે તેમને ચિંતા નથી કે તેમનું મૃત્યુ કઈ રીતે થશે કેમ કે ઈચ્છા મૃત્યુમાં પીડા નથી થતી.
ન્યુઝીલેન્ડ માં ઘણાં લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈચ્છા મૃત્યુથી સમાજના મૂલ્યો અને માનવીનું જીવન પ્રતયેનું સન્માન કમજોર થશે. તેમાં નબળાં લોકો, ખાસ કરીને વિકલાંગ કે જીવનના અંતિમ દિવસો પસાર કરતા લોકોની દેખભાળ પણ ઓછી થઈ જશે. જયારે આ કાયદાનું સમર્થન કરતા લોકોનું કહેવું છે કે વ્યકિતને એ નક્કી કરવાનો અધિકાર છે કે તેને કયારે અને કઈ રીતે મરવું છે. એવામાં ઈચ્છા મૃત્યુ તેમને સન્માન સાથે મરવાનો અધિકાર આપે છે. વિદેશોના આ જ પ્રકારના કેસનું વિશ્ર્લેષણ કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દર વર્ષે 950 લોકો આ માટે અરજી કરી શકશે, જેમાંથી 350ને મરવામાં મદદ મળશે. પરંતુ વાસ્તવમાં કેટલા લોકો અરજી કરે છે એનો અંદાજ પણ નથી કાઢી શકાતો. આ કામ માટે ડોકટરોને કાયદેસર ટ્રેનિંગ આપવામાં આવી છે.
જોકે, ઘણાં ડોકટરો આના વિરોધમાં પણ ઉતર્યા છે તેમનું માનવું છે કે જો યોગ્ય દેખભાળ કરવામાં આવે તો જરૂરી નથી કે દર્દીને ઈચ્છા મૃત્યુની જરૂર પડે. જોકે, એવું ઘણી વખત નથી બનતું. ભારત માં ઈચ્છા મૃત્યુ અને દયા મૃત્યુ બંને ગેરકાયદેસર છે કેમકે, મૃત્યુનો પ્રયાસ આઈપીસી કલમ 309 અંતર્ગત આત્મહત્યા નો અપરાધ છે. ઈચ્છા મૃત્યુને મુખ્યત્વે બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય છે. પહેલું સક્રિય ઈચ્છા મૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ સક્રિય ઈચ્છા મૃત્યુમાં ટર્મિનલ ઇલનેસથી પીડિત વ્યકિતના જીવનનો અંત ડોકટરની મદદથી તેને ઝેરનું ઇન્જેકશન દેવા જેવું પગલું ભરીને કરી શકાય છે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એટલે કે જયાં ટર્મિનલ ઇલનેસથી પીડિત વ્યકિત લાંબા સમયથી કોમામાં હોય ત્યારે સંબંધીની સંમતિથી ડોકટર લાઈફ સપોર્ટ ઇકવીપમેન્ટ બંધ કરી દે છે જેથી જીવનનો અંત આવે છે. જોકે, ઘણાં લોકોનું માનવું છે કે સક્રિય હોય કે નિષ્ક્રિય, ઈચ્છા મૃત્યુ એ હત્યા છે