જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે એક કારખાનામાંથી પોલીસે ગેરકાયદે સરકારી ચોખાનો જથ્થો પકડી પાડયા બાદ હરકતમાં આવેલા જિલ્લા પુરવઠા તંત્રએ આ સંબંધે કડબાલ ગામે આવેલી વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડી સસ્તા અનાજનું 1.27 લાખની કિંમતનો જથ્થો સ્થગિત કર્યો છે.
કોટડાબાવીશી ગામના પાટીયા પાસે આવેલા વ્રજ ફૂડ પ્રોડકટસ નામના કારખાનામાંથી પોલીસે સસ્તા અનાજના 301 નંગ ચોખાના કટ્ટા પકડી પાડયા હતાં અને આ જથ્થો તેમજ ટ્રક કબજે કરી જામજોધપુર મામલતદાર ધર્મેશ કાછટને જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા તેમજ ગાંધીનગરથી આવેલી સ્પે. વિજિલન્સ ટુકડીએ આજે તાલુકાના કડબાલ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાં ઉપલબ્ધ સસ્તા અનાજનો સ્ટોકનો તાડામેળ ન થતાં તેમજ હિસાબી અનિયમિતતા ધ્યાનમાં આવતાં દુકાનમાં રહેલો 1,27,000ની કિંમતનો સસ્તા અનાજનો જથ્થો સ્થગિત કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી.