જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢનું રેલવે ટ્રેન હેઠળ આવી જતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબીયત લથડતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સાયના ગલી શેરી નં.3/સી માં રહેતા ધર્મેશભાઇ ડાયાભાઇ માલવિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ સોમવારે બપોરના સમયે સાંઢિયાપુલ પાસેના રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર મેહુલ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. જે. જોષી તથા સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના શંકર ટેકરી વલ્લભનગરમાં આવેલા ભીમનગર વિસ્તારમાં રહેતા વિજયભાઇ શામજીભાઇ ચૌહાણ (ઉ.વ.57) નામના પ્રૌઢની રવિવારે રાત્રિના સમયે તબીયત લથડતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતા હે.કો. એચ.એ.પરમાર તથા સ્ટાફે મૃતકના પુત્ર જીણાલાલના નિવેદનના આધારે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ટ્રેન હેઠળ આવી જતા પ્રૌઢનું મોત
ગોકુલનગર સાંઢિયાપુલ પાસે બનાવ: શંકરટેકરીમાં રહેતા પ્રૌઢનું બીમારી સબબ મૃત્યુ: પોલીસ દ્વારા કાર્યવાહી