જામનગર જેલમાં કેદીને પાન-મસાલા પહોંચાડવા જેલ સહાયકે લાંચ માંગ્યાના કેસમાં ઝડપાયેલા વચેટીયા પ્રજાજનને સુરેન્દ્રનગર એસીબીએ ઝડપી લીધાં બાદ જેલ સહાયકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરની જેલમાં કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે જેલ સહાયક અશ્વિન મણીશંકર જાની દ્વારા રૂા.5000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાની એક કેદીના સગાએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના સંદર્ભે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડી.વી.રાણા તથા સ્ટાફે જેલની દિવાલે આવેલી ચા ની હોટેલ પાસે ગોઠવેલા છટકામાં જેલ સહાયક વતી લાંચ નાણાં સ્વીકારવા બદલ પ્રજાજન મછાભાઇ કમાભાઇ જાદવને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમ્યાન એસીબીની ટીમે જામનગર જિલ્લા જેલ સહાયક અશ્વિન જાનીને પણ ઝડપી લીધો હતો અને તેના સરકારી કવાર્ટર્સની જડતી લીધી હતી. જેમાં કંઇ મળ્યું ન હતું. કેસના તપાસનીશ એસીબીની ખાસ અદાલતમાં બંન્નેને રજુ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ચાર દિવસ અગાઉ તા. 19ના રોજ એસીબીના હાથે રૂા.500ની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા મ્યુ.કોર્પોની. ફુડ શાખાના ડાયા કરશન હુણ નામના પટ્ટાવાળાના રીમાન્ડ પુરા થતાં તેને અદાલતમાં રજુ કરાતા જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.