‘ક્રિકેટનું કાશી’ ગણાતા જામનગરમાં મહિલા સશક્તિકરણના સરકારી અને સામાજિક પ્રયાસોનો પડઘો પડતો હોય સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમમાં જામનગરની સાત મહિલા ખેલાડીઓએ સ્થાન હાંસલ કર્યું છે.
હાલ શક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ક્રિકેટની રમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર આ નારી શક્તિને સન્માનવાનો કાર્યક્રમ સોમવારે રાત્રે શેખર માધવાણી હોલમાં યોજાયો હતો.
જામનગરના રંગતાલી ગ્રુપ આયોજિત સહિયર નવરાત્રીનું આયોજન – સહિયર મહિલાવૃંદ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા છ વર્ષથી ’મહિલા સશક્તિકરણ’ તેમજ ’બેટી બચાવો, બેટી પઢાઓ’ ની નેમ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. મહિલાઓના ઉત્કર્ષ માટે રચાયેલી આ સંસ્થા દ્વારા નગરરત્ન સમાન સાતેય મહિલા ખેલાડીઓના સન્માન થકી શક્તિપૂજન યોજવામાં આવ્યું હતું.
જામનગરના ક્રિકેટ ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ આ ઘટનાને બિરદાવવા દીપ પ્રાગટ્ય આ મહિલા ખેલાડીઓના હસ્તે કરી પ્રારંભ કરાયો હતો. સંસ્થા દ્વારા મેડલ, સ્મૃતિભેટ અર્પણ કરી ઉચિત સન્માનિત કરવા ઉપરાંત ખેલાડીઓને કુમકુમ તિલક કરી આગામી ટૂર્નામેન્ટ માટે વિજયની શુભકામના રંગતાલી ગ્રુપના સંયોજક સંજયભાઈ જાની, સહિયર ગ્રુપ સંયોજક રીટાબેન જાની તેમજ ગ્રુપના સર્વે સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ટ્રોફી મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ કરેલા આ સાત ખેલાડીઓમાં રિધ્ધિ રૂપારેલ તો સમગ્ર ટીમની કેપ્ટન તરીકે પસંદગી પામી છે. જ્યારે અન્ય નેહા ચાવડા, જયશ્રી જાડેજા, ધરણી થાપતેલા, રીના સવાસડિયા, સુઝાન સમા અને મુસ્કાન મલેક નામની યુવતીઓ પણ પ્રતિભાવંત ખેલાડી છે.
આ પ્રસંગે પસંદગી પામેલી આ તમામ મહિલા ખેલાડીઓના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસો.ના પ્રમુખ અજય સ્વાદિયા,ઉપ-પ્રમુખ ભરતસિંહ જાડેજા,તેમજ ભરત મથ્થર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાતેય મહિલા ખેલાડીઓને જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જાડેજાના પુત્ર જગદીશસિંહ જાડેજા,રાજપૂત અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, નવરાત્રી મહોત્સવના મુખ્ય પ્રાયોજક બાબુભાઈ કૈલાશભાઈ બદીયાણી અને તેમના સમગ્ર પરિવાર તેમજ નવનીત જવેલર્સના પરિવાર, ઉપરાંત અન્ય મુખ્ય મહેમાનો દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું. સાથોસાથ દાંડિયાની રમઝટ બોલાવવા માટે આવેલા તમામ ખેલૈયાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.