લાલપુર ગામના ધરાનગર વિસ્તારમાં બે વ્યકિતઓ સાથે બોલાચાલી થયા બાદ એકાએક પડી ગયેલાં યુવાનનું મોત નિપજતાં પોલીસે ગુનો નોંધી હત્યા છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં ધરાનગર વિસ્તારમાં રહેતો પ્રકાશ ચીનાભાઇ બારસાનિયા (ઉ.વ.30) નામનો યુવાન ગત્ શુક્રવારે રાત્રીના સમયે તેના કુંટુંબિક ભત્રીજા સાગરને ભાણવડની બસમાં બેસાડવા માટે જતો હતો ત્યારે ભરત અને દિપક નામના બે શખ્સો સાથે કોઇ કારણસર બોલાચાલી થઇ હતી. તે દરમ્યાન પ્રકાશ એકાએક પડી જતાં બે શુધ્ધ થવાથી સારવાર માટે લાલપુર અને ત્યાંથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે હેકો.એ.જે.સિહલા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથધરી હતી અને આ બનાવમાં મોતનું કારણ હત્યા છે કે, બીજા કોઇ કારણસર યુવાનનું મોત નિપજયું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.