Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રાજકીય પરિવર્તનનો પ્રારંભ હળવેથી શરૂ થઇ ચૂકયો છે ?

ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો પ્રારંભ હળવેથી શરૂ થઇ ચૂકયો છે ?

હાલમાં ‘આપ’ કોંગ્રેસને સાઇડમાં ઘકેલી રહી છે :ભવિષ્યમાં ‘આપ’ ફ્રન્ટરનર પણ બની શકે છે?!

- Advertisement -


ગાંધીનગર મહાપાલિકાના પરિણામોની ચર્ચા છે. ભાજપ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. 44માંથી 41 બેઠકો મેળવી છે અને દસ વર્ષ બાદ સત્તા મેળવી છે. સૌથી વધુ નુક્સાન કોંગ્રેસને થયું છે અને એ માટે જવાબદાર આપ ગણાય છે. આપે આ ચૂંટણીમાં બેઠક તો એક જ મેળવી છે પણ 21 ટકા મત મેળવ્યા છે એ બહુ મોટી વાત ગણાય છે. ભાજપના મતોમા 1.73 ટકાનો વધારો થયો છે અને કોંગ્રેસના મતમાં ગાબડા પડ્યા છે . કોંગ્રેસને 27.9 ટકા મત મળ્યા છે.

ચર્ચાનો વિષય એ હોવો જોઈએ કે, આપને આટલા મત મળવાનું કારણ શું છે? સુરત મહાપાલિકાની ચૂટણીમા 120માંથી 27 બેઠક મેળવી ગયું અને ત્યાં 28 ટકા મત મળ્યા હતા, એની પાછળ પટેલ મતો કારણભૂત હતા એમ માનવામાં આવે છે, ત્યાં પણ નુક્સાન કોંગ્રેસને થયું છે. કોંગ્રેસ પાસે 2016માં 36 બેઠકો હતી અને એ શૂન્પ પર આવી ગઈ, રાજકોટમાં આપને 17 ટકા મત મળ્યા હતા.

સવાલ એ છે કે, આપ કોઈ વિકલ્પ બની રહ્યો છે? હજુ આપને ગુજરાતમાં આવ્યે એકાદ વર્ષ માંડ થયું છે. એ પહેલા આપની હાજરી ના બરાબર હતી પણ હવે એ ધારાસભાની તૈયારી કરી રહ્યો છે. એ માટે ગુજરાતના પ્રવાસ થઇ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના નારાજ લોકો એમાં ભળી રહ્યા છે. એનાથી કોનેે ફાયદો થશે ? અને ગેરફાયદો કોને થશે ?

કોંગ્રેસ આપને ભાજપની બી ટીમ ગણે છે અને અત્યારે તો આપ કોંગ્રેસના મત કાપી રહ્યુ છે એ વાત અવગણી શકય એમ નથી. ગાંધીનગરમાં સાત વાર્ડમાં આપને મળેલા મતો કોગ્રેસ કરતા વધુ હતા. અ વાત શું દર્શાવે છે? થોડા વધુ મત મળ્યા હોત તા કોંગ્રેસને તો નુક્સાન થવાનું જ હતું પણ આપની બેઠક વધી જાત.

સવાલ એ છે કે, આપનું ગુજરાતમાં રાજકીય મહત્ત્વ કેટલું છે? ઓવૈસીના પક્ષ જેવું તો નથી ને ? કે એ બીજી પાર્ટીને હરાવે છે. બિહારમાં બન્યું હતું એમ પણ પ.બંગાળમા ફાવ્યા નહોતા. હવે ગુજરાત અને યુપીમાં એ મેદાનમાં આવશે પણ આપ કૈંક અલગ રાહે ચાલી રહ્યુ હોય એવું જણાય છે.

દિલ્હીમાં આપ મેદાનમા ઉતર્યું ત્યારે કોઈએ એને ગંભીરતાથી લીધો નહોતો અને એણે જ દેખાવ ક્યો એ એક ચમત્કારથી કૈંક વધુ હતું. ભાજપ અન કોંગ્રેસ બંનેને મહાત કરી ભારે બહુમતીથી બીજીવાર સત્તા મેળવી અને આપના શાસનની પણા વાહવાહી થાય છે. કેજરીવાલ એક અઠંગ રાજકારણી બની ગયા છે અને હવે કોઈ એને હળવાશથી લેતું નથી. પંજાબમાં પણ સ્થતિ મજબૂત છે. ગોવામાં આપની હાજરી છે અને આવતા વર્ષે પાંચ રાજ્યોની ચૂટણીમાં ઉતરવાનું છે. દિલ્હીમાં લોકપ્રિય પગલાઓથી માંડી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરીના આધારે એ આગળ વધવા માગે છે.

ગુજરાતની રાજકીય માનસિક્તા જુદી છે. અહી ત્રીજી પાર્ટી ક્યારેય ફાવી નથી. વાઘેલા અને કેશુભાઈની પાર્ટી બની પણ કોઈને સફળતા મળી નથી. બસપા અને એનસીપીએ પણ પ્રયત્નો કર્યા છે પણ એમનો વોટ શેર પાંચ સાત ટકાથી આગળ વધ્યો નથી. પણ આપ એનાથી આગળ વધ્યો છે. સુરતમાં પાટીદાર મત એમની મદદે આવ્યા. ગાંધીનગરમાં પણ એવું જ ક્હેવામાં આવે છે પણ કોંગ્રેસ પ્રત્યે નારાજગી એમને કામ લાગી અને ભાજપથી પણ કંટાળેલા લોકોએ આપને મદદ તો કરી છે.

ગુજરાતમાં ભાજપે નેતૃત્વ પરિવર્તન કર્યું અને નવુનક્કોર મંત્રીમંડળ આવ્યું એ પાછળ કારણો એકથી વધુ છે. એમાંનું એક કારણ આપની રાજ્યમાં વધતી ગતિ પણ છે. એનો અર્થ એ થયો કે, આપ આ જ ગતિએ આગળ વધે તો એ કોંગ્રેસ સાથે ભાજપને પણ નુક્સાન કરી શકે અને આગળ જતા એક પડકાર બની જાય અને શક્ય છે કે ત્રીજો વિકલ્પ બને. શું એવું બનશે ?તેના જવાબ માટે રાહ તો જોવી પડશે.

- Advertisement -

(સૌજન્ય : કૌશિક મહેતા)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular