લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં ખેતમજૂરી કરતા યુવાનનું વીજશોકથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસતપાસ દરમિયાન વાડી માલિક દ્વારા ફેન્સીંગમાં વીજપ્રવાહ ચાલુ રાખી દેવાતા યુવાનનું મોત નિપજ્યાનું ખુલતા મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે વાડીમાલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતાં અને ખેત મજૂરી કામ કરતા બાબુભાઇ ગાંડાભાઇ ગમારા (ઉ.વ. 46) નામના શ્રમિક યુવાનને ગત 25 ના રોજ પોતાની વાડી પાસે વીજ આંચકો લાગ્યો હોવાથી મૃત્યુ નીપજયું હતું. આ બનાવમાં તપાસ દરમિયાન વાડી માલિક દેવશીભાઇ ઉર્ફે દેસાભાઇ રાયશીભાઇ બંધીયા દ્વારા પોતાની વાડીની ફેન્સિંગ કે જેમાં કોઇ પશુઓ પ્રવેશે નહીં, તેના માટે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ રાખી દીધો હતો. જેને શ્રમિક યુવાન અડી જતાં વીજકરંટથી તેનું મૃત્યુ નીપજયું હતું. સમગ્ર મામલો સામે આવ્યા પછી મૃતક બાબુભાઇની પત્ની અમીબેન ભરવાડની ફરિયાદના આધારે બાબુભાઇનું બેદરકારી પૂર્વક મૃત્યુ નિપજાવવા અંગે વાડી માલિક દેવશીભાઇ બંધીયા સામે પોલીસે વિધિવત ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ગોદાવરીની સીમમાં ખેતરની ફેન્સીંગના વીજકરંટથી શ્રમિક યુવાનનું મોત
વીજશોકથી મોતના બનાવમાં વાડી માલિકની બેદરકારી બહાર આવી: મૃતકની પત્નીના આધારે પોલીસે વાડીમાલિક સામે ગુનો નોંધ્યો