આખરે જામનગર શહેરમાં પણ પેટ્રોલના ભાવે સેન્ચુરી ફટકારી દીધી છે. ઓકટોબરમાં આજે 6ઠ્ઠા દિવસે થયેલા ભાવ વધારાને કારણે શહેરમાં ભારત પેટ્રોલિયમના પેટ્રોલના ભાવ 100ને પાર કરી ગયો છે. જયારે આઇઓસીના પેટ્રોલનો ભાવ સેન્ચુરીથી 3 પૈસા તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સેન્ચુરીથી 7 પૈસા દૂર છે. ઉપરાંત રિલાયન્સનું પેટ્રોલ પણ સેન્ચુરીથી માત્ર 11 પૈસા દૂર છે. હવે ભાવ વધારાનો એક ડોઝ તમામ કંપનીઓના પેટ્રોલના ભાવને 100ની ઉપર પહોંચાડી દેશે.
આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રૂડના ભાવમાં આવેલા જબ્બર ઉછાળાને પગલે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઇંધણના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જામનગરની વાત કરીએ તો ઓકટોબરના પ્રથમ સાત દિવસમાં પેટ્રોલમાં 1.54 રૂપિયા જયારે ડિઝલમાં 2.05 રૂપિયાનો વધારો થયો છે. આજે શહેરમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા જયારે ડિઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
પરિણામે શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અનુક્રમે 100.02 અને 98.89 થયા છે. ઇંધણના ભાવમાં સતત થઇ રહેલા વધારાને કારણે મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજાની હાલત કફોડી બની છે. પ્રથમ વખત જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. જેને લઇને લોકોમાં ભારે કચવાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે, આ ભાવ વધારાના વિરોધ માટે કોઇ આગળ આવતું નથી. વિપક્ષ દ્વારા સમયાંતરે દેખાવો યોજીને ઇંધણના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવે છે. પરંતુ લોકોના સહકારના અભાવે તે માત્ર ઔપચારિક બની રહે છે. સતત વધી રહેલાં ઇંધણના ભાવથી સામાન્ય નાગરિકો પણ હવે ટેવાઇ ગયા હોય તેમ જણાઇ રહયું છે.
જામનગરમાં પેટ્રોલના ભાવની સેન્ચુરી
ભારત પેટ્રોલિયમનું પેટ્રોલનો ભાવ થયો 100.02 : આજે શહેરમાં પેટ્રોલમાં 29 પૈસા અને ડિઝલમાં 38 પૈસાનો વધારો : ભાવ વધારાને લઇને લોકોમાં કચવાટ પણ વિરોધ માટે કોઇ આગળ આવતું નથી