Tuesday, December 31, 2024
Homeરાજ્યગુજરાતરઝળતા ઢોર મુદ્દે વડોદરા મહાપાલિકા આકરા પાણીએ

રઝળતા ઢોર મુદ્દે વડોદરા મહાપાલિકા આકરા પાણીએ

15 દિવસ સુધી 24  7 ચલાવશે અભિયાન : ઢોર માલિકો સામે આક્રમક કાર્યવાહીની ચેતવણી : વડોદરાને ઢોરમુકત બનાવવાનો સંકલ્પ : સાંસદ, ધારાસભ્ય, મેયર, કમિશનર, કલેકટર, પોલીસ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ સંયુકત બેઠક કરી

- Advertisement -

વડોદરા શહેરમાં અનેક વ્યક્તિઓના પ્રાણ લેવાથી લઇ અનેક વ્યક્તિઓને જીવન ભર ખોડ રહી જાય તે પ્રકારના અકસ્માતની ઘટનાને નિમિત્ત બની રહેલા રખડતાં ઢોરને હવે દૂર કરવા માટે વડોદરાના તંત્રએ અભિયાન ઉપાડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી વણકેલ્યા મુદ્દા માટે મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કેટલાક આકરા નિર્ણય પણ લેવામાં આવ્યા છે. આ નિર્ણયના અમલ પૂર્વે વડોદરા શહેરના ઢોરમાલિકોની સાથે પણ બેઠક બોલાવીને તેમના પ્રશ્ર્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

- Advertisement -

મેયર કેયુર રોકડિયાએ આ મામલે પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વડોદરાને રખડતાં ઢોરમુક્ત અને શહેરીજનોને ત્રાસમુક્ત બનાવવાનો અમારો સંકલ્પ છે. રખડતાં ઢોરોના કારણે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે, તેમાંથી કેવી રીતે મુક્તી મેળવી શકાય તે માટે આજે સંસદસભ્ય રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહીલે, મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંઘ, કલેક્ટર આર.બી.બારડ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિસ્તૃત ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.

તેઓએ જણાવ્યુ હતુ કે, વડોદરામાં બે હજાર જેટલા પરિવાર એવા છે કે, જેઓ 19 હજાર થી 20 હજાર જેટલા ઢોરોના માલિક છે. જે પૈકીના અનેક ઢોર રસ્તા પર રખડતા હોય છે. આ ઢોરોને આરએફઆઇના ટેગ પણ લગાડવામાં આવ્યા છે. ટેગીંગથી હજી પચ્ચીસ ટકા જેટલા ઢોરો અલિપ્ત છે. હાલમાં રખડતાં ઢોરો પકડવા માટે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસની એક ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ઢોર (ગાય કે ભેંસ) પહેલી વખત પકડાય તો 6,200 તથા 100 રૂપિયા પ્રતિદિવસની ખાધા ખોરાકી પેટે દંડની વસૂલાત કરીને ઢોર છોડવામાં આવે છે. બીજી વખત આ ઢોર પકડાય તો તેની પાસેથી 11,200 તથા 100 રૂપિયા પ્રતિદિવસની ખાદ્યાખોરાકી પેટે દંડ વસૂલાત કરવામાં આવે છે. આ ઢોર ત્રીજી વખત પકડાશે તો ઢોર માલિકની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ ઉમેર્યુ હતુ કે, માલિકોને ઢોર માટે વડોદરાના ચાર વિવિધ વિસ્તારમાં ભૂતકાળમાં સરકાર તરફથી જમીન આપવાની તૈયારી બતાવવામાં આવી છે. જેમાં ખટંબા, જામ્બુવા, કરોળીયા તથા છાણી ખાતેના ચાર ઝોન પાડવામાં આવ્યા હતા. પરંતુ ઢોર માલિકોના અન્ય કોઇ પણ પ્રશ્ન હોય તે અંગેની ઉકેલ લાવવાની તૈયારીઓના ભાગ રૂપે આવતીકાલે પશુપાલકોની સાથે બેઠક બોલાવવામાં આવી છે. ત્યાર બાદ આગામી પંદર દિવસ માટે આક્રમક રીતે અભિયાનનો આરંભ કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે, રસ્તે રખડતાં ઢોરને પકડવા માટે સતત ચોવીસ કલાક સુધી પાલિકા અને પોલીસની પાંચ વિવિધ ટીમો કામ કરશે, સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી, તથા બપોરે 3 થી રાત્રીના 11 વાગ્યા સુધી બે ટીમ તથા રાત્રીના 11 થી સવારના 7 સુધી એક ટીમ સતત કાર્યરત રહેશે. ઢોર પાર્ટીના આ કાર્યવાહી રોજીંદી રહેશે.

મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતુ કે, રખડતાં ઢોરો ટેગીંગ કરાવવુ ફરજીયાત છે, તેમ છતાં લગભગ પચ્ચીસ ટકા જેટલા ઢોરોને હજી ટેગીંગ કરાવવામાં આવ્યુ નથી. ઢોરને ટેગીંગ કરવામાં આવ્યુ ન હોવાથી ઢોરના કારણે થયેલા કેટલાક અકસ્માતના કિસ્સામાં ઢોરના માલિક પર આકરાં પગલાં લઇ શકતાં નથી. ઢોરની માલિકી સ્પષ્ટ થતી નથી. એટલે ટેગીંગ કરાયા સિવાયના ઢોરના ટેગીંગ કરવા ના મામલે આગામી દિવસોમાં ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે. પાલિકા-પોલીસની ટીમ દ્વારા ઝડપાયેલા કેટલાક ઢોર છોડાવવા માટે ઢોર માલિક આવતા નથી. આવા ઢોરને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવતા હોય છે, આવા કિસ્સામાં ઢોર દીઠ પાંજરાપોળને રૂપિયા 1500 ચૂકવવામાં આવતા હોય છે. તેનાથી પાંજરાપોળ ઢોરનો નિર્વાહ ચલાવતા હોય છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇને ઢોર પેટે આપવામાં આવતી રકમમાં પણ વધારો કરીને રૂપિયા ત્રણ હજાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

શું જામનગર મહાપાલિકા કાંઇ ધડો લેશે ?

વડોદરા મહાપાલિકાએ રઝળતાં ઢોર મામલે આકરા નિર્ણયો કર્યા છે ત્યારે ઢોરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલાં જામનગર શહેર માટે જામનગર મહાપાલિકા વડોદરા પાસેથી કોઇ ધડો લેશે ? તેવો પ્રશ્ર્ન જામનગરના શહેરીજનોમાં પણ ઉઠયો છે. મહત્વની વાત તો એ છે કે, વડોદરાને ઢોરમુકત બનાવવા માટે સાંસદ, ધારાસભ્ય, મેયર, કલેકટર, કમિશનર, પોલીસ કમિશનર, મહાપાલિકાના પદાધિકારીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે એક સાથે એક જગ્યાએ સંયુકત રીતે બેઠક યોજીને પોતાની પ્રતિબધ્ધતા જાહેર કરી છે. તો શું જામનગર શહેરમાં આવું ન થઇ શકે ? શહેરીજનોના હિતમાં આ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ એક સાથે બેસીને કોઇ નિર્ણય ન લઇ શકે ? વડોદરા મહાપાલિકાએ દાખલો બેસાડયો છે. ત્યારે જામનગર મહાપાલિકાએ તો માત્ર તેને અનુસરવાનું જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular