Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતકોવિડ ગાઇડલાઇન્સમાં ઢીલાશથી સંક્રમણ વધવાનો ખતરો

કોવિડ ગાઇડલાઇન્સમાં ઢીલાશથી સંક્રમણ વધવાનો ખતરો

સુરતમાં વધી રહેલાં કેસોએ ઉપજાવી ચિંતા

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો થાય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. કોરોનાના કેસમાં ફરી ભયરૂપ વધારો થશે તો તેમાં આ વખતે સરકાર-પ્રજા બંનેનો સહિયારો દોષ રહેશે. કેમકે, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં સરકારે ઢીલું વલણ અપનાવી દીધું અને સાથે લોકો જાહેર સ્થળે માસ્ક વગર એવી રીતે ફરી રહ્યા છે જાણે કોરોના જેવું કંઇ છે જ નહીં.

કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તેવી આશંકા સાથે ગુજરાતમાં લોકો બેદરકારી સાથે માસ્ક વગર જાહેર સ્થળોએ અને ખાસ કરીને ભીડભાડવાળા સ્થળોએ ફરી રહ્યા છે.તેવામાં પણ નવરાત્રિ-દિવાળીના તહેવારો નજીક છે ત્યારે કોરોના જેવું કશું છે જ નહીં તેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમા હાલ 180 એક્ટિવ કેસ છે અને રાજ્યબહારના દર્દીઓ અમદાવાદમાં સારવાર માટે આવી રહ્યા છે. હાલ જાહેર સ્થળોએ પ્રતિ 10માંથી 3 જ વ્યક્તિ યોગ્ય રીતે માસ્ક પહેરેલી જોવા મળશે. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ-રેસ્ટોરન્ટમાં ટેમ્પરેચર સ્ક્રિનિંગ ફક્ત દેખાડા પૂરતું જ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ સરકારે આ કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ઢીલું વલણ અપનાવી દીધું છે. એટલું જ નહીં સરકાર ખૂદ હવે જનસંપર્ક રેલીનું આયોજન કરી રહી છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી વખતે ડીજે સાથે યોજાતી રેલીમાં ભાગ્યે જ કોઇ નેતા યોગ્ય રીતે પહેરેલા માસ્ક સાથે જોવા મળતા હતા. માસ્ક-સેનિટાઇઝરના ઉત્પાદકોના મતે એપ્રિલ-મેની સરખામણીએ માસ્ક-સેનિટાઇઝરનું વેચાણ 70% ઘટી ગયું છે. અન્ય રાજ્યોથી સારવાર માટે અમદાવાદ આવનારા દર્દીઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ડોક્ટોરોના મતે કોરોના ગાઇડલાઇન્સમાં બેદરકારી ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. હાલની સ્થિતિએ જાહેર સ્થળોએ જતી વખતે ડબલ માસ્ક પહેરવા જોઇએ. આ ઉપરાંત કેરળ-મહારાષ્ટ્ર જેવા રાજ્યો કે જ્યાં કેસ વધારે નોંધાઇ રહ્યા છે ત્યાંથી ગુજરાત આવનારાને સઘન સ્ક્રીનિંગ બાદ જ પ્રવેશ આપવા દેવો જોઇએ.

રાજયમાં દબાતા પગલે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં વાયરસનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં આખેઆખા પરિવાર સંક્રમિત થતાં જોવા મળી રહ્યા છે. ત્યારે તહેવારો ટાણે કોરોના બ્લાસ્ટ થાય તો નવાઇ પામવા જેવું નહીં હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular