ત્રણ નવા કૃષિ કાનુન વિરૂધ્ધ કિસાન સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિતના પક્ષોએ સમર્થન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ઠેર-ઠેર રેલ રોકો, ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બંધનું એલાન સવારે 6 થી સાંજે 4 સુધી ચાલવાનું છે. દિલ્હીની સરહદે પહેલેથી જ હજારો ખેડતો એકઠા થયા છે. પોલીસ બધા રાજ્યોમાં એલર્ટ પર છે. દિલ્હી સાથે જોડાયેલ સરહદો જેમ કે ગાજીપુર અને સિંધુ બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્યાએ રોડ જામ કરી દીધા છે જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડયો છે.
કેરળમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. પાટનગરમાં દુકાનો બંધ છે. ટ્રેડ યુનિયનોએ પણ ટેકો આપતા બંધની અસર જોવા મળી રહી છે. કર્ણાટકમાં ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે તો પંજાબમાં ધરણા – પ્રદર્શન – રોડ બ્લોક – રેલ રોકો આંદોલન થઇ રહ્યું છે. બિહારમાં રાજદના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઠેર-ઠેર આંદોલન થઇ રહ્યું છે.
કૃષિ કાનુનનો વિરોધ કરી રહોલ ખેડૂતોએ દિલ્હી – અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કરી દીધો છે. અમૃતસરમાં અમૃતસર – દિલ્હી રેલવે ટ્રેક પર દેખાવકારો ધરણા દઇ રહ્યા છે. હરિયાણામાં ખેડૂતોએ ઠેર-ઠેર રસ્તા જામ કરી દીધા છે. રોહતકમાં સ્ટેટ હાઇવે જામ કરી દેવામાં આવેલ છે. ભારત બંધને કારણે દિલ્હી, યુપી અને પંજાબમાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે. પ.બંગાળમાં ખેડૂતોએ રેલી કાઢી છે. ખેડૂતો કેએમપી એક્સપ્રેસ-વે પર બેઠેલા છે. તેને જોતા પોલીસે એક્સપ્રેસ-વે બંધ કરી દીધો છે. તે ઉપરાંત રેડ ફોર્ટની તરફ જનાર બંને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે છતા રેલ અને સુભાષ બંને સાઇડથી બંધ છે.
ભારત બંધ : ખેડૂતોએ હાઇ-વે, રેલવે ટ્રેક બ્લોક કર્યા
ગુજરાતમાં કિસાન કોંગ્રેસનો બંધને ટેકો : મજદૂર યુનિયનો પણ બંધમાં જોડાયા : દિલ્હી-ગુરૂગ્રામમાં ભારે ટ્રાફિક જામ : ઉત્તર-પશ્ચિમ ભારતના પાંચ રાજયોમાં અસર