Thursday, December 26, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અઢી ઈંચ સુધી સચરાચર વરસાદ: સિંહણ ડેમ છલકાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અઢી ઈંચ સુધી સચરાચર વરસાદ: સિંહણ ડેમ છલકાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ સવારી વરસી રહી છે. ગઈકાલે તેમજ આજે સવારે દિવસ દરમિયાન હળવા તથા ભારે ઝાપટાથી જિલ્લામાં અડધાથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે.

ખંભાળિયામાં ગઈકાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન હળવા ઝાપટા અવિરત રીતે વરસ્યા હતા. આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો પરંતુ માત્ર હળવા ઝાપટાં રૂપે માત્ર બે મી.મી. જ પાણી વરસ્યુ હતુ. આજે સવારે આઠ વાગે પુરા થતાં 24 કલાક દરમિયાન ખંભાળિયામાં 24 મી.મી. સાથે કુલ 872 મિલીમીટર (111.89 ટકા), દ્વારકામાં 26 મિલીમીટર સાથે કુલ 577 મિલીમીટર (113.81 ટકા), કલ્યાણપુર તાલુકાના 19 મિલિમિટર સાથે કુલ 836 મિલીમીટર (101.09 ટકા) અને ભાણવડ તાલુકામાં 13 મિલીમીટર સાથે કુલ 786 મિલીમીટર (111.52 ટકા) વરસાદ વરસી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે. ખંભાળિયા-જામનગર રોડ ઉપર આવેલો મહત્વનો 22 ફૂટનો સિંહણ ડેમ કે સલાયા, માંઢા, સિંહણ સહિતના અનેક ગામો માટે આશીર્વાદરૂપ છે, આ ડેમ ઉપરવાસના પાણીની આવકના કારણે આજે સવારે ઓવરફ્લો થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.

આમ, છેલ્લા દિવસોના વરસાદથી જિલ્લાના મોટાભાગના જળાશયો તરબતર બન્યા છે.

સવારે દ્વારકા તથા કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો

આજરોજ સવારે દ્વારકા તાલુકામાં વધુ એક વખત મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી અને સવારે 8 થી 10 દરમિયાન વધુ દોઢ ઈંચ (36 મી.મી.) પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ વધુ અડધો ઈંચ 13 (મી.મી.) વરસાદ બે કલાકના સમયગાળા દરમિયાન વરસી ગયો છે. કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે આજરોજ જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો. આજે સવારે આશરે સાડા છએક વાગ્યે શરૂ થયેલા મુશળધાર વરસાદથી આશરે ચાર ઈંચ જેટલું પાણી વરસી ગયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. મુશળધાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના તમામ જળાશયો છલકાઈ ગયા છે. તાલુકાના રાવલ ગામે પણ આજે સવારથી ધોધમાર વરસાદ હોવાના વાવડ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular