ભાણવડથી આશરે સોળ કિલોમીટર દૂર દુધાળા ગામે રહેતા હરીશ લખમણભાઈ નનેરા નામના બત્રીસ વર્ષના યુવાન દ્વારા પોતાના અંગત ફાયદા માટે નલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના અઢી વાગ્યે દરોડો પાડયો હતો. જેમાં જયેશ માલદે સોલંકી, મનસુખ ટપુભાઈ સોલંકી, નિલેશ સામતભાઈ ભેટારિયા અને ધીરુ દેવરાજભાઈ રાવત નામના કુલ પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે 51,490 રોકડા, રૂા. 80 હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ, તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.1,34,490 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન દુધાળા ગામનો કુંભાર જેસા સિંગડીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દુર તાલુકાના ભીંડા ગામે આવેલી આંગણવાડી પાસે રાત્રીના સાડા બારેક વાગ્યે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા ગોવિંદ લગધીરભાઈ કારેથા, વિમલગર ખીમગર અપારનાથી, રણમલ અરજણ ભુંડિયા, આલા લખમણ વકાતર, ગોવિંદ નથુગર ગોસ્વામી અને વેજાણંદ નારણભાઈ બંધીયા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂા.22,700 રોકડા તથા સાત હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 29,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.