Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય27મી એ ભારત બંધનું એલાન

27મી એ ભારત બંધનું એલાન

મુઝફફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત: મોદી વિરોધી નારેબાજી: ભાજપા સાંસદ વરૂણ ખેડૂતોનાં પક્ષે

કેન્દ્રનાં ત્રણ વિવાદિત કૃષિ કાયદા સામે ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગરમાં રવિવારે જીઆઈસી મેદાનમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં દેશભરમાંથી હજારો કિસાનોનો સૈલાબ ઉમટયો હતો. કિસાન નેતાઓ દ્વારા કૃષિ કાયદા અને સરકારની આર્થિક નીતિઓ ઉપર આક્રમણ ચલાવવા સાથે ભારતબંધનાં એલાનની તારીખમાં ફેરફાર જાહેર કર્યો હતો. અગાઉ 2પમીએ ભારત બંધનું એલાન ખેડૂતોએ કરેલું પણ હવે તે બે દિવસ પાછું ઠેલીને 27મીએ કરવામાં આવશે. આ આયોજનમાં રાજકીય રંગ પણ ભળ્યો હતો અને કોંગ્રેસે મહાપંચાયતને સમર્થન આપ્યું હતું જ્યારે કિસાન નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ઝુકાવવા વોટની ચોટ જરૂરી હોવાનું કહી માત્ર ખેતી જ નહીં, મોંઘવારી, બેરોજગાર સહિતના મુદ્દે ઘેરવાનું પણ આહ્વાન કર્યું હતું.

ભારતીય કિસાન યુનિયનનાં પ્રવક્તા રાકેશ ટિકૈત પણ મહાપંચાયતમાં સામેલ થયા હતાં અને તેમણે એલાન કર્યુ હતું કે, આ મહાપંચાયત આખા દેશમાં થશે. કિસાનો દેશ વેચાવા દેશે નહીં. અમારી માગ છે કે દેશ, કિસાન, વ્યાપાર અને યુવાનોનું ભવિષ્ય બચે. તેમણે કેન્દ્ર સરકાર સામે હુંકાર કર્યો હતો કે, દિલ્હીની સીમાઓ ઉપર અમારી કબર બની જાય તો પણ આંદોલન જારી રહેશે. જ્યાં સુધી કિસાન વિજયી નહીં થાય ત્યાં સુધી ધરણાસ્થળ છોડવામાં આવશે નહીં.

આ મહાપંચાયત માટે ખેડૂતોની પ્રચંડ મેદની ઉમટી હતી. તેમ છતાં કિસાન નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે મુઝફ્ફરનગર ભણી જતી બસોને માર્ગમાં જ અટકાવી દીધી હતી. આ પંચાયતમાં દેશભરનાં 300 જેટલા સક્રિય કિસાન સંગઠનો જોડાયા હતાં. છેલ્લા 10 માસથી આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા તમામ કિસાન નેતાઓ મહાપંચાયતનાં મંચ ઉપર હાજર રહ્યાં હતાં.

આ મહાપંચાયતને સંબોધતા રાકેશ ટિકૈતે હરહર મહાદેવ અને અલ્લાહુ-અકબરનાં નારા પણ લગાડાવ્યા હતાં. તેણે ત્યારબાદ કહ્યું હતું કે, આ નારા અગાઉ પણ લાગતા હતાં અને હજી પણ લાગશે. આ લોકો વિભાજિત કરવાનું કામ કરે છે અને આપણે તેને રોકવાનાં છે. હવે યુપીની જમીન દંગા કરાવનારાઓને અપાશે નહીં.

ટિકૈતે કહ્યું હતું કે, અમે સંકલ્પ લઈએ છીએ કે દિલ્હીની સીમાઓ ઉપર ધરણાસ્થળ છોડાશે નહીં, ભલે પછી અમારી કબર કેમ ન બની જાય. જરૂર પડશે તો જીત ન થાય ત્યાં સુધીમાં અમે જીવ પણ આપીશું. પરંતુ ધરણાસ્થળ ખાલી કરવામાં નહીં જ આવે. જ્યાં સુધી સરકાર ચલાવડાવશે ત્યાં સુધી કિસાન આંદોલન જલતું રહેશે. જ્યાં સુધી તે વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલશે. સરકાર વાટાઘાટ કરશે તો અમે પણ કરીશું. દેશમાં આઝાદીની લડાઈ 90 વર્ષ ચાલેલી. આ કિસાન આંદોલન કેટલું ચાલશે તે આપણે હજી જાણતાં નથી.

મોદી સરકારની સાર્વજનિક એકમોને ભાડેથી ખાનગી કંપનીઓને આપવાની મોનેટાઈઝેશન નીતિ સામે પણ હુમલો બોલાવતા ટિકૈતે કહેલું કે, હવે આ મિશન યુપી નહીં પણ મિશન ભારત છે. આપણે ભારતનાં સંવિધાનની રક્ષા કરવાની છે. મોદી અને યોગી સરકાર વીજળી, એરપોર્ટ સહિતને વેચી નાખવાની તૈયારીમાં છે, જે સ્વીકારી શકાય નહીં.

દરમ્યાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું સત્યનો પડઘો પડી રહ્યો છે અને ‘અન્યાયપૂર્ણ સરકારે’ તેને સાંભળવું પડશે. પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ પણ જણાવ્યું હતું કે ‘સત્તાનો અહંકાર’ કિસાનોની ગર્જના સામે ઊભો રહી શકશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular