લોહિયાળ હિંસા, અમેરિકી સેનાની પીછેહઠ અને આખરે કાબુલ સહિત સમગ્ર અફઘાન પર આતંકવાદી સંગઠનના કબજા બાદ ભારતની સરકારે એક મોટો ફેંસલો લેતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ પસાર કરીને તાલિબાનને શરતો સાથે માન્યતા આપી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનની જવાબદારી નક્કી કરતાં ભારત, ફ્રાન્સ, અમેરિકા સહિત 13 દેશોએ માન્યતા આપી દીધી છે. જોકે, ચીન અને રશિયા આ પ્રક્રિયાથી દૂર રહ્યા છે.
ભારતના વડપણ હેઠળ યુનોની સુરક્ષા પરિષદમાં પસાર કરાયેલા પ્રસ્તાવમાં સ્પષ્ટ શરત રખાઈ છે કે, 15, ઓગસ્ટના અફધાન પર કબ્જા બાદ હવે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશની વિરુધ્ધ ન થવા દેવાની જવાબદારી તાલિબાનની છે. ફ્રાન્સ દ્વારા પ્રાયોજિત આ પ્રસ્તાવને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ભારત સહિત 13 દેશોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી અને અસ્થાયી 1પ માંથી 2 સભ્ય દેશોએ તાલિબાનને શરતી માન્યતાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. રશિયા અને ચીને સમર્થન અને વિરોધ બન્ને ન કરીને આ પ્રક્રિયાથી અંતર રાખ્યું હતું. ચીન અથવા રશિયા ફ્રાન્સના આ પ્રસ્તાવ પર વિટો લગાવી દેત, તો કોઈ દેશ વિરુધ્ધ અફઘાનની ભૂમિનો ઉપયોગ નહીં થવા દેવાની શરતથી તાલિબાનને બાંધતો આ પ્રસ્તાવ રદ થઈ ગયો હોત. આમ, પ્રસ્તાવ પર કોઈપણ જાતની પ્રતિક્રિયા ટાળીને રશિયા સાથે ખંધા ચીને ચાલાકી ભરી રમત રમી છે.
અફઘાનમાંથી અમેરિકી સૈનિકોની સંપૂર્ણ વાપસી પછી પણ તાલિબાન માટે પંજશીર જીતવું હજું મોટો પડકાર છે. મંગળવારની મોડી રાત્રે હુમલો કરવા આવેલા 350 તાલિબાની આતંકીઓને પંજશીરના યોદ્ધાએ ઠાર માર્યા હતા. સાથોસાથ 40થી વધુ તાલિબાનને બંધક બનાવી દેવાયા હતા અને અમેરિકી વાહનો તેમજ હથિયારો જપ્ત કર્યા હોવાનું નોર્ધન એલાયન્સે જણાવ્યું હતું. મંગળવારની રાત્રે બન્ને જૂથો વચ્ચે ભીષણ ઘર્ષણના અંતે પંજશીરના યોદ્ધાઓએ 350 આતંકવાદીઓને ફૂંકી મારતા તાલિબાનને સંદેશ આપ્યો હતો કે, પંજશીર પર કબ્જો સરળ વાત નથી. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદાએ ટ્વિટ કરતાં નોંધ્યું હતું કે, પંજશીરના પ્રવેશ પાસે જ ગુલબહાર ક્ષેત્રમાં લોહિયાળ લડાઈ થઈ હતી. તાલિબાન આતંકવાદીઓએ ત્યાં એક પુલ પણ ઉડાવી દીધો હોવાના અહેવાલ મળ્યા હતા. અહમદ મસૂદના નેજા હેઠળ આતંકવાદીઓને ઢેર કરાયા હતા.
મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તીએ તાલિબાન સાથે લડાઈને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સોમવારની રાત્રે પણ તાલિબાને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પણ નાકામ કરી દેવાયો હતો.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લાખોની સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડીને જવા માગે છે. તાલિબાનની ક્રૂરતાથી ડરેલા ઘણા લોકો દેશ છોડવામાં સફળ થયા છે પણ મોટી સંખ્યામાં લોકો નીકળી શક્યા નથી. તેવામાં હવે કાબુલમાં એરપોર્ટ બંધ થતા લોકો સરહદ તરફ વળ્યા છે. જીવ બચાવવા માટે લોકો બોર્ડર પાર કરીને પાડોશી દેશમાં જવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાન અને ઈરાનની બોર્ડરે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે.
અફઘાનથી અમેરિકાની વાપસીના બીજા જ દિવસે સરકાર રચવાની તાલિબાનની યોજના પૂરી થઈ ગઈ છે. મુલ્લા બરાદર સરકારનો મુખ્ય ચહેરો હશે, તો હૈબતુલ્લા અખુંદજાદા ‘સુપ્રીમ’ લીડર હશે. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય બિલાલ કરીમીએ બુધવારે જણાવ્યું હતું કે, તાલિબાનના સુપ્રીમ કમાન્ડર અખુંદજાદા કોઈ પણ ગવર્નિંગ કાઉન્સિલના વડા રહેશે. મુલ્લા અબ્દુલગની બરાદર મુખ્ય ચહેરો બની શકે છે. મતલબ કે અફઘાનમાંથી નવી તાલિબાન સરકારનું સુકાન બરાદરના હાથોમાં હશે અને અખુંદજાદા સર્વેસર્વા હશે. કરીમીએ કહ્યું કે, ઈસ્લામિક અમીરાત (અફઘાનનું નવું નામ)ના નેતાઓ, અગાઉથી સરકારના નેતાઓ અને અન્ય પ્રભાવશાળી નેતાઓ સાથે એક સમાવેશી અફઘાન સરકાર રચવા માટે વિચાર વિમર્શ સમાપ્ત થઈ ગયો છે. સરકાર રચના માટે સામાન્ય સહમતી બની ગઈ છે એટલે હવે સરકારની ઘોષણા સપ્તાહો નહીં પરંતુ થોડાક દિવસોમાં જ કરાશે, તેવું તેમણે ઉમેર્યું હતું. એવું મનાય છે કે, તાલિબાન તેની સરકાર વિશે ઘોષણા કરવા માટે અમેરિકી સૈનિકો પાછા જવાની રાહ જોતું હતું. એક વરિષ્ઠ અધિકારીએ ઓળખ છુપાવવાની શરત સાથે કહ્યું હતું કે, હવે મુલ્લા બરાદર અને અખુંદજાદા કાબુલમાં જાહેરમાં સામે આવશે.