જામનગર એલ.જી.હરિયા સ્કૂલ ખાતે માર્ગ સલામતી વિષય પર માર્ગ સલામતી કમિશનર નલીન પાડલીયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં માર્ગ સલામતી માટેની મહત્વની બાબતો એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન તેમજ ઇમર્જન્સી કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે કમિશનર નલીન પાડલિયાએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોએ માનવ સર્જિત આફત છે. માર્ગ સલામતી વિભાગ દ્વારા વખતોવખત બ્લેક પોઇન્ટની જાણકારી, સીટબેલ્ટ, હેલ્મેટના ઉપયોગ થકી ખાસ તકેદારી રાખીને માર્ગ અકસ્માતો અને અકસ્માતમાં થતા મૃત્યુદર ઘટાડવા માટે કામગીરી કરવામાં આવે છે, ત્યારે લોકજાગૃતિ પણ તેટલી જ આવશ્યક છે. ગુજરાતમાં વાર્ષિક 7000 જેટલા માનવ મૃત્યુ અકસ્માતમાં થાય છે તેમાંના 45 ટકા એટલે કે ત્રણ હજાર ચારસો જેટલા માનવ મૃત્યુનું કારણ સીટ બેલ્ટ અને હેલમેટ ન પહેરવાનું છે. કમિશનરએ સીટ બેલ્ટ અને હેલ્મેટના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ માર્ગ સલામતી વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સ્પીડ લિમિટનો વાહનોને ઉપયોગ કરી અકસ્માતથી બચવા અનુરોધ કર્યો હતો.
કલેકટર ડો. સૌરભ પારઘીએ વર્કશોપના મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગેના એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશનને વિસ્તૃત સમજાવ્યા હતા. કલેકટરએ કહ્યું હતું કે, માર્ગ અકસ્માતના બનાવોને ઘટાડવા અને મહામૂલા માનવજીવનને બચાવવા માટે લોકજાગૃતિ આવશ્યક છે. રોડ સેફ્ટીમાં એન્જિનિયરિંગ બાબતો જેમકે રોડની બનાવટ, સ્પીડ બ્રેકર, ટર્નિંગ અને રિફ્લેક્ટરના વગેરે બાબતો લોકોએ સમજી અને ઉપયોગ કરવાનો છે, તો સાથે જ એન્ફોર્સમેન્ટ એટલે કે માર્ગ સલામતી માટેના નિયમોનું ચુસ્ત પાલન પણ લોકોએ કરવું જોઈએ. પાર્કિંગ, સ્પીડ લીમીટ વગેરે બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.
તદુપરાંત જો અકસ્માત થાય તો અકસ્માત બાદ તાત્કાલિક અકસ્માતગ્રસ્ત વ્યક્તિને આપવાની કાળજી, ઈમરજન્સી ટ્રીટમેન્ટ બાબતો માટે લોકોને શિક્ષિત કરવા આવશ્યક છે. ઘણીવાર અકસ્માતગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અન્ય લોકો કાયદાકીય બાબતોથી ભયભીત બનતા હોય છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને માનવ જીવન બચાવનારને કોઈ કાયદાકીય બાબતોમાં મુશ્કેલીમાં આવવાનું રહેતું નથી તે લોકોએ સમજી અકસ્માતગ્રસ્ત લોકોની મદદ કરવી જોઇએ તેમ કલેકટર ઉમેર્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતિ વિભાગ દ્વારા ગુજરાતના દરેક માર્ગને સલામત માર્ગ બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવે છે. દરેક વિસ્તારના બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય કરી લોકોને અકસ્માતથી નિવારવા માટે સાયન્ટિફિક મેનેજમેન્ટ, આર્ટ ઓફ રોડ ટર્નિંગ અને સેફ્ટી મેઝર્સ વિશે વિવિધ માધ્યમો દ્વારા પણ માહિતી આપવામાં આવે છે ત્યારે આ એક દિવસીય વર્કશોપ દ્વારા માર્ગ સલામતીના વધુ નવા પરિમાણોને શીખી અમલી બનાવવામાં આવશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
એક દિવસીય વર્કશોપમાં વક્તા એ.એન.મિસ્ત્રી દ્વારા માર્ગ સલામતીમાં એન્જિનિયરિંગની ભૂમિકા જે.વી.શાહ દ્વારા ઇમરજન્સી કેર અને અમિત ખત્રી દ્વારા માર્ગ સલામતીના મહત્વ વિશે માર્ગદર્શન આપી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી વિભાગના જોઇન્ટ કમિશનર એસ.એ. મોજણીદાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાયજાદા, ઈન્ચાર્જ પોલીસ અધ્યક્ષ નિતીશ પાંડે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ખંભાળિયા સી. આઈ. મહેરા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પોરબંદર વી.એમ.ચાવડા, ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આર.કે.શાહ અને ચંદુલાલ શાહ, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગર જયમીન ચૌધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.