જામનગરમાં ખોડિયાર કોલોની પાસે યોગેશ્ર્વરધામ સોસાયટીમાં એક મકાનમાં મહિલા દ્વારા ચલાવતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ચારની અટકાયત કરી હતી. આ સ્થળે જામનગર અને મહારાષ્ટ્રની બે રૂપલલના પાસે દેહવિક્રેય કરાવાતો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ યોગેશ્ર્વરધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી નબીરા ઉર્ફે નરગીસ મકબુલ સુધાધુનીયાના મકાનમાં જામનગરમાં જ રહેતી ગુલઝારબેન ઉર્ફે પુજા ઉર્ફે સમીરા મહેન્દીમામદ અબવાણી કુટણખાનુ ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઇ કર્યા બાદ દરોડો પાડયો હતો. સ્થળ પરથી નબીરા અને ગુલઝાર ઉર્ફે પુજા ઉપરાંત બન્ને મદદગારી કરનાર દેવભૂમિ દ્વારકાના સબીર રઝાક બુખારી અને નદીમ ઈશાક જુણેજા સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી. આ કુટણખાનામાં ગ્રાહક દિઠ એક હજાર પડાવાતા હતાં. જેમાંથી અમુક રકમ રૂપલલનાઓને અપાતી હતી. છેલ્લાં 15 દિવસથી આ સ્થળે કુટણખાનુ ચાલતું હતું. દરોડાના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતાં. પોલીસે ચારેય વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.