દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમતા શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ યથાવત રહી છે. જે અંતર્ગત રવિવારે જુદા જુદા પાંચ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં એકવીસ શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે પાંચ શખ્સો પોલીસને થાપ આપી, નાસી છૂટવામાં સફળ થયા હતા.
ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામના વાડી વિસ્તારમાં અહીંની પોલીસે મધરાત્રિના સમયે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જામેલી મેહફીલ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં તીનપતીનો જુગાર રમી રહેલા રામ ભીખા જામ નામના શખ્સને પોલીસે રૂા.4,330 રોકડા, રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન તથા રૂપિયા વીસ હજારની કિંમતના એક મોટરસાયકલ મળી, કુલ રૂા.29,730 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
આ દરોડા દરમિયાન ભારા બેરાજા ગામનો હરદાસ બાલા ગઢવી, બુધા સીદા ગઢવી, સાગર હાજા ધમા અને ડાવા નાગશી અવસુરા નામના ચાર શખ્સો અંધારામાં ઓગળી જતા ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી નાસી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે તાલુકાના મોટી ખોખરી ગામેથી સ્થાનિક પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા ચના ઊર્ફે સંદીપ નથુભાઈ છુછર, ડાડુ મસરી આંબલીયા, દવુ વજસી નંદાણીયા, મેરામણ દેવશી લગારીયા અને વિપુલ દેવાત નંદાણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, આ શખ્સો પાસેથી રૂા.15,480 રોકડા તથા બાર હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.27,480 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે ભાણવડ તાબેના ટીંબડી ગામની સીમમાં બરડા ડુંગરની કાંઠે પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા રાજુ પોપટ બારમેડા, ભાણા હાજા ભૂંડિયા અને લખમણ ફોગા મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન ભાણવડનો અરવિંદ આહિર નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ ઉપરાંત ભાણવડના ગાત્રાળ નગર વિસ્તારમાંથી પોલીસે મેરામણ સામત મોઢવાડિયા, પારૂલબેન અલ્પેશભાઈ રાડીયા જીવીબેન મેરામણભાઇ કનારા અને લીલુબેન સામતભાઈ મોઢવાડિયા નામના ચાર પતાપ્રેમીઓને રૂા. 11,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત મીઠાપુર તાબેના આરંભડા વાડી વિસ્તારમાંથી ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીત કરતા અશોક બાબુભાઈ તાવડીવાલા, હીરા બાબુભાઈ તાવડીવાલા, દિલીપ હરિભાઈ ચાવડા, રણજીત કિશોરભાઈ ચાવડા, વિનોદ નરસિંહભાઈ પરમાર, નિતીન દયારામ જોશી, અજય કિશોરભાઈ ચાવડા અને રાજેશ નવીનભાઈ ભટ્ટ નામના આઠ શખ્સોને ઝડપી લઈ, રૂા.13,950 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.