જન્માષ્ટમીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારોમાં રજાઓ હોવાથી અનેક લોકો ધાર્મિક સ્થળો પર કે અન્ય ફરવાની જગ્યાએ દોડી જાય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અનેક મેળાઓ રદ કરવામાં આવ્યા છે. તેવામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે શ્રાવણ મહિનામાં પણ મંદિરોમાં કોરોના પ્રોટોકોલનું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે. તેવામાં લોકો ભેગા ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને વીરપુર જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ મંદિર બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે.