હાલ રાજયભરમાં વરસાદ ખેંચાયો છે. આથી જળાશયોનાં તળીયા દેખાવા લાગ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણી ખૂટયા છે અને જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળ સંકટ ઉભુ થવાનો ખતરો મંડરાવા લાગ્યો છે અત્રે ઉલ્લેખનીય છે, કે નર્મદા ડેમમાંથી રાજયને ઓગષ્ટનાં અંત સુધી જ પાણી મળે તેમ છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ નર્મદા ડેમમાં 18 ઓગષ્ટની સ્થિતિએ 115.69મીટર સપાટીએ પાણી ભરેલુ છે. નર્મદાડેમમાં હાલ 3.49 મિલીયન (એકર ફુટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે.જયારે ડેમમાંથી વાપરી શકાય તેટલું પાણી 0.55 એમ઼એ.એફ. એટલે કે 11 ટકા જ છે. તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતા સિંચાઈમાટે વધુ કાપ આવે તેવા સંજોગો છે.દરમ્યાન રાજયમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો, નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે. તે પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળ સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે