આઈટી એક્ટની 66એ કલમ રદ્ થવા છતાં તે અંતર્ગત કેસ થતાં હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારો અને હાઈકોર્ટને નોટિસ પાઠવીને એ કલમ અંતર્ગત હવે પછી એક પણ કેસ ન નોંધવાની તાકીદ સુપ્રીમ કોર્ટે કરી હતી.
સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ 66એને 2015ના એક ચુકાદા વખતે રદ્ કરી હતી. એ વખતે જ હવે પછીથી આઈટી એક્ટની કલમ 66એ અંતર્ગત એક પણ કેસ દાખલ ન કરવાની સુપ્રીમે તાકીદ કરી હતી. એ પછી પણ હજુ સુધી એ કલમ અંતર્ગત દેશભરમાં હજારો કેસ નોંધાઈ રહ્યા છે. તે સંદર્ભમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ અરજી કરી હતી. તેની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું. આવી રીતે ન ચાલે. અમે કોર્ટ અને પોલીસ માટે આખો આદેશ જારી કરીશું. સુપ્રીમના આદેશ છતાં હજુ સુધી આ કલમ અંતર્ગત કેસ થઈ રહ્યાં છે તે નિરાશાજનક છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને જવાબ આપવાનું કહેવાયું હતું. જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કેન્દ્રએ તો તમામ રાજ્યોને નોટિફિકેશન પાઠવી દીધું હતું. કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય છે અને એમાં કેન્દ્રની સીધી દખલગીરી હોતી નથી. અમે તો એડવાઈઝરી જારી કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને તમામ રાજ્યો તેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશોને ફરીથી નોટિફિકેશન પાઠવીને આઈટી એક્ટની કલમ 66એ અંતર્ગત એક પણ કેસ દાખલ ન કરવાની તાકીદ કરી હતી. આઈટી એક્ટની 66એ કલમ પ્રમાણે ઓનલાઈન અપમાનજનક ટીપ્પણી કરવા બદલ કેસ થઈ શકતો હતો, પરંતુ સુપ્રીમમાં એ કેસની સુનાવણી થઈ તે વખતે 2015માં એ કલમને રદ્ કરવામાં આવી હતી. કોર્ટે તેને ગુનાની શ્રેણીમાંથી હટાવી દીધી હતી.
કલમ 66-A અંતર્ગત કેસ ન નોંધવા સુપ્રિમની તાકિદ
સુપ્રિમ કોર્ટે રાજ્યો અને હાઈકોર્ટોને નોટિસ પાઠવી : 2015માં સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની 66-A કલમ રદ્ કરી હતી