જામનગરમાં વોર્ડ નં. 1માં પ્રિમોન્સુન કામગીરીમાં થયેલ ગેરરીતિ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વોર્ડ નં. 1ના પૂર્વ કોર્પોરેટર હુસેનાબેન સંઘાર દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
વોર્ડ નં. 1માં હાલમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી. જેમાં યોગ્ય રીતે સફાઇ ન થઇ હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. આ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજવાળુ પુલિયુ, સાતનાલા, એક-ડે-એક વિસ્તાર, ખારી વિસ્તારની કેનાલ, જોડિયાભુંગા, માધાપુરભુંગા વગેરે વિસ્તારમાં સંપૂર્ણ કામગીરી થઇ નથી. બેડીના ઢાળિયા પાસે આવેલ મેઇન કેનાલ અડધી સાફ થઇ છે. આ ઉપરાંત કોઇપણ જગ્યાએ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી નથી. તાજેતરમાં આવેલ ભારે પવન સાથેના વરસાદમાં આ વિસ્તારના વરસાદના પાણીનો નિકાલ ન થતાં મોટાભાગના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે.
જેના કારણે કાચા મકાનોમાં રહેતાં અને મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી પડી રહી છે. સરકાર દ્વારા દરવર્ષે પ્રિમોન્સુન કામગીરી માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ ગેરરીતિને પરિણામે યોગ્ય રીતે પ્રિમોન્સુન કામગીરી થતી નથી. આથી પ્રિમોન્સુન કામગીરીની ટેકનોલોજીના માધ્યમથી દેખરેખ રાખી કામગીરીના પ્રોગ્રેસ રિપોર્ટ લેવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.
વોર્ડ નં. 1માં પ્રિમોન્સુન કામગીરીમાં થયેલ ગેરરીતિ અંગે રજૂઆત
વોર્ડ નં. 1ના પૂર્વ કોર્પોરેટર દ્વારા કમિશનરને પત્ર લખાયો