ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામની ખેતીની એક જમીન જામનગર રહેતા આસામી પાસેથી વાવવા માટે રાખીને પરત આપવા સબબ બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે ખેતીની જમીન ધરાવતા અને મૂળ મેવાસા ગામના વતની અને હાલ જામનગર ખોડીયાર કોલોની ખાતે રહેતા અને ક્ધસ્ટ્રકશન તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા રામદેભાઈ માલદેભાઈ ગાધેર નામના 36 વર્ષના યુવાન દ્વારા ગત તારીખ 16 ફેબ્રુઆરી 2015ના રોજ ભાણખોખરી ગામના નવા રેવન્યુ સર્વે નંબર 421 વાળી આશરે પાંચ વીઘા જેટલી જગ્યા ભીંડા ગામના રહીશ એવા દેવાભાઈ ભીખાભાઈ પાતર પાસેથી વેચાણ દસ્તાવેજ મારફતે ખરીદ કરવામાં આવી હતી.
બાદમાં ખેતીની જમીન ખરીદ કરનાર રામદેભાઈ માલદેભાઈ પાસે ખેતીની આ જમીન વાવવા માટે વેંચનાર દેવાભાઈ પાતર દ્વારા ભાગીયા તરીકે એક વર્ષ માટે લેવામાં આવી હતી. આ પછી છેલ્લા આશરે છ વર્ષથી દેવાભાઈ દ્વારા ઉપરોક્ત જમીનનો કબજો ખાલી કરવામાં આવતો ન હતો. આ દબાણ માટે દેવાભાઈ દ્વારા તેમના ભાઈ અરશી ઉર્ફે ગોગન દાઢીની પણ મદદગારી મેળવી અને ફરિયાદી પાસે વધારે પૈસાની માગણી કરી અને જો વધુ કાંઈ કહેશે તો એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બન્ને ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની તપાસ અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી, રાઇટર શક્તિસિંહ જાડેજા, હરદાસભાઈ ચાવડા તથા ડી.ડી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના ભાણખોખરી ગામની ખેતીની જમીન પચાવી પાડવા સબબ બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
છ વર્ષ પૂર્વે ભાગીયા તરીકે વાવવા રાખેલી જમીન પરત ન આપી: પોલીસ દ્વારા તપાસ