Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયફરીથી લોકડાઉનના દિવસો ?: યુરોપના દેશોમાં પ્રતિબંધો શરૂ

ફરીથી લોકડાઉનના દિવસો ?: યુરોપના દેશોમાં પ્રતિબંધો શરૂ

અડધી વસ્તીને રસીકરણ કર્યા પછી પણ વાયરસની તાકાત દેખાઇ રહી છે !

- Advertisement -

યુરોપમાં કોરોના પ્રતિબંધો ફરી લંબાવવાની ફરજ પડી છે. તેનાં બે મુખ્ય કારણ છે. પહેલું- મોટા ભાગના યુરોપિયન દેશોમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસ વધુ મળી રહ્યા છે. બીજું- બ્રિટન અનલોક થઈ ચૂક્યું છે. અહીં નવા કેસમાં ડેલ્ટા વેરિયેન્ટનો હિસ્સો 99% છે.

આમ છતાં, બ્રિટિશરો બીજા દેશોમાં જઈ રહ્યા છે એટલે નેધરલેન્ડ્સ, બલ્ગેરિયા સહિત અનેક યુરોપિયન દેશોએ બ્રિટિશ પ્રવાસીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પરંતુ યુરોપના દક્ષિણી દેશોમાં મોટા પાયે બ્રિટિશ પ્રવાસીઓ જઈ રહ્યા છે.

નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી સપ્તાહના અંતે યુરોપિયન દેશોમાં 1,35,000 વિદેશી પ્રવાસ કરતા હશે, જેનાથી કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. એટલે યુરોપિયન દેશોએ સરહદોનું નિયંત્રણ કડક કરી દીધું છે.
જર્મનીએ નેધરલેન્ડ્સ અને સ્પેનના પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત કર્યું છે. ગ્રીસ, ઈટાલી, ફ્રાન્સ અને પોર્ટુગલ વેક્સિન પાસપોર્ટની નીતિ અમલી કરવા જઈ રહ્યા છે.

યુરોપની અડધી વસતીનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે, પરંતુ વિવિધ દેશો વચ્ચે રસીકરણમાં મોટું અંતર છે. નિષ્ણાતોના મતે, હાલ ઝડપથી ફેલાતું સંક્રમણ પૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા માટે પણ ખતરનાક છે. ફ્રાન્સમાં આ મહિનાના બીજા સપ્તાહે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોને રસીકરણ મુદ્દે ચેતવણી આપી હતી ત્યાર પછી 37 લાખ લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

લંડન સ્કૂલ ઓફ હાઈજિનમાં સંક્રમક રોગોના પ્રો. માર્ટિન હિબર્ડે કહ્યું કે, નવા સંશોધનો પ્રમાણે કોરોનાનો ડેલ્ટા વેરિયેન્ટ આલ્ફાની તુલનામાં 60% વધુ ઝડપથી ફેલાય છે. જો પ્રતિબંધો ના હોય તો કોરોનાનો મૂળ સ્ટ્રેન 10માંથી 25માં ફેલાઈ શકે, જ્યારે ડેલ્ટા 10માંથી 70 લોકોમાં ફેલાય છે. આ જ કારણસર પહેલા બ્રિટન અને હવે બાકીના યુરોપિયન દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

અમેરિકાના અગ્રણી સંક્રમક રોગ નિષ્ણાત ડો. એન્થની ફોસીએ કહ્યું કે, અમેરિકા કોરોના સામે લડવાના મામલામાં ખોટી દિશામાં છે. ડેલ્ટા વેરિયેન્ટ એ સ્થળોએ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં રસીકરણ ધીમું છે. આરોગ્ય અધિકારી દેશમાં ફરી માસ્ક ફરજિયાત કરવાનો વિચાર કરી રહ્યા છે. જે લોકોને સંક્રમિત થવાનો ખતરો વધુ છે, તેમને બુસ્ટર વેક્સિન આપવાનો પણ વિચાર કરાઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular