રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડાયેલા તબીબને પાસા કરતા તેની સાથે સંકળાયેલા અન્ય તબીબે હાઈકોર્ટમાં પ્રીડિટેન્શન અરજી કરી હતી, જેની સુનાવણી જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ હાથ ધરાઈ હતી. સુનાવણીમાં કોર્ટે સરકારને ખખડાવતા કહ્યું હતું કે, બસ હવે લોકોને ડરાવવાનું બંધ કરો. આ બધું બેફામ થઈ રહ્યું છે, અરાજકતાનો માહોલ વધી રહ્યો છે.
તબીબની પ્રીડિટેન્શન અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, જો તબીબ સામે પાસા કરો છો તો કોઈ રાજકીય વ્યકિત 5 હજાર ઇન્જેક્શનનો ધર્માદો કરતી હોય તેની સામે પણ પાસા કરશોને? હાઈકોર્ટે પોલીસ કમિશનર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને તમામ પ્રશ્ર્નોના જવાબ આપવા આદેશ કર્યો છે, જેની સુનાવણી 31 જુલાઈએ હાથ ધરાશે.
વડોદરામાં આયુર્વેદિક તબીબ પાસેથી રેમડેસિવિર મળી આવતા તેમને કમિશનરે પાસા હેઠળ ડિટેન કર્યા હતા. પોતાની ધરપકડની દહેશતને પગલે આ કેસમાં સંકળાયેલા અન્ય તબીબે હાઈકોર્ટમાં પ્રીડિટેન્શન અરજી કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે, દર્દીઓ માટે મગાવેલાં ઇન્જેક્શનો હોવા છતાં સરકારે તેમના તબીબ મિત્ર સામે પાસા કરી છે. તબીબ તરફથી દલીલ સાંભળી કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.
કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, કોરોનાની બીજી લહેર વખતે આપણે સૌ ડરેલા હતા અને જેને જ્યાંથી મળે ત્યાંથી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી લીધી હતી. આવા કિસ્સામાં પાસા કરવાની? અને જો આવા કિસ્સામાં પાસા કરો છો તો બીજાને પણ પાસા કરવાની કે નહિ કરવાની? તમે હવે તબીબોને પણ પાસા શરૂ કરી? પ્રજાને વધારે ન ડરાવો તમે લોકો, આ બધું બેફામ થઈ રહ્યું છે. આ અરાજકતા વધારી રહ્યું છે. બીજી લહેર આપણા હાથની વસ્તુ ન હતી, પણ તેને કારણે ઊભી થયેલી સ્થિતિ આપણે આ રીતે હેન્ડલ કરીશું? આ પ્રજા ક્યાં જશે? આવા કિસ્સામાં ડિટેઇન ન કરાય.
પ્રજાને ડરાવવાનું હવે બંધ કરો: વડી અદાલત
બે રેમડેસિવિર ઇંજેકશન સાથે ઝડપાયેલાં તબિબને સરકારે ‘પાસા’માં ફીટ કરી દેતાં હાઇકોર્ટ ખફા: પોલીસ કમિશ્નરને નોટિસ