એક બાજુ કોરોનાના ખર્ચમાંથી લોકોને કળ વળી નથી, બીજી તરફ પેટ્રોલ -ડીઝલને કારણે શાકભાજીથી લઈને તેલ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે. આ ભાવવધારો લોકો માટે અસહ્ય બન્યો છે. ત્યારે જવાબદાર તંત્ર પુરવઠા વિભાગ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. જેનો ભોગ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને બનવું પડે છે. તહેવારની સિઝન નજીક આવી રહી છે. ત્યારે તેલના વેપારી, ફરસાણના ધંધાર્થીઓએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે. જેને કારણે તેલના ભાવમાં 27 દિવસમાં રૂ.190 સુધીનો ભાવવધારો આવ્યો છે.
તેલની સંગ્રહખોરીને અને જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને કારણે તહેવાર સમયે જ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડશે. પામોલીન તેલના ભાવે રૂ.2 હજાર સપાટી કુદાવતા સોમવારે તેનો ભાવ રૂ.2010 થયો હતો.પહેલી જુલાઈના રોજ જે સિંગતેલનો ભાવ રૂ.2370 હતો જે અત્યારે તેલનો ડબ્બો રૂ.2490 નો થયો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2250માંથી વધીને રૂ.2440 થયો છે. જે પામોલીન તેલનો ભાવ આજથી 26 દિવસ પહેલા રૂ.1965 હતો તેનો ભાવ અત્યારે 2010 બોલાઈ રહ્યો છે. મુખ્ય તેલની સાથે- સાથે સાઈડ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
ઈન્ડોનેશિયા અને મલેશિયામાં પામનું ઉત્પાદન વધારે થાય છે પરંતુ આ વખતે ત્યાં પાક ઓછો છે. ડિમાન્ડ છે તેની સામે માલ અપૂરતો છે. વરસાદ એક મહિનો મોડો થયો છે. જેથી આ નવી સિઝન મોડી શરૂ થશે. સ્ટોક ત્યાં સુધી પહોંચશે કે કેમ તે એક શંકા છે. જેથી અત્યારે ખરીદી વધુ છે. એમ.સી.એક્સમાં ઊંચા ભાવે વાયદાઓ થઈ રહ્યા છે. જેને કારણે સ્થાનિક માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે. બજાર નીચી હતી ત્યારે બધાએ પોતાનો માલ ખાલી કરી નાખ્યો હતો. ખાલી પડેલી પાઈપલાઈન ભરાય તે માટે અત્યારે ખરીદી વધુ થઈ રહી છે.