વરસાદની ખેંચ ધરાવતાં જામનગર જિલ્લામાં આખરે મેઘમહેર થઇ છે. જિલ્લાના 6 પૈકી બે તાલુકા જામજોધપુર અને કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં બન્ને તાલુકાના એક ડઝનથી વધુ ગામોમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં આ ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે નદીઓના ઘોડાપૂર ગામમાં પ્રવેશી ગયા હતા. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભા, લતીપુર, હડિયાણા સહિતના કેટલાક ગામોમાં શનિવાર અને રવિવાર 6 થી 8 ઇંચ જેવો ભારે વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના અન્ય ત્રણ તાલુકા જામનગર, લાલપુર અને ધ્રોલમાં તાલુકામાં હજુ પણ વરસાદની ખેંચ અનુભવાઇ રહી છે.
જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં છેલ્લા 48 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઇએ તો કાલાવડ તાલુકામાં 6.5 ઇંચ, જામજોધપુર ર ઇંચ, જામનગર શહેર 1 ઇંચ, જોડિયા 4 ઇંચ, ધ્રોલ 4 ઇંચ, લાલપુરમાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કાલાવડ શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે કુંભપરા વિસ્તારમાં જવાનો પુલ તૂટી ગયો હતો. જયારે ગમની ભાગોળેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. બન્ને તાલુકાઓમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ખેતરોનું ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન થયું છે. તો મોટાભાગના ખેડૂતો સમયસરના વરસાદથી ખુશખુશાલ થયા છે.
જામજોધપુર-કાલાવડ તાલુકામાં આભ ફાટયું : 10 ઇંચ સુધી વરસાદ
અનરાધાર વરસાદથી બન્ને તાલુકામાં અનેકગામો બેટમાં ફેરવાયા : છેલ્લા 48 કલાકમાં કાલાવડ 6॥ ઇંચ, જામજોધપુર 2 ઇંચ, જામનગર શહેર 1 ઇંચ, જોડિયા 4 ઇંચ, ધ્રોલ 4 ઇંચ, લાલપુરમાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ વરસ્યો