ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી ખાનગી કંપનીમાં પતરામાં સ્ક્રુ મારવાના કામ કરતા વખતે સેફટી બેલ્ટ તૂટી જતાં નીચે પટકાયેલા શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, ઝારખંડના વતની અને હાલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતો રાજુ નાગેન્દ્ર ચૌધરી (ઉ.વ.20) નામનો શ્રમિક યુવક ગત તા.23 જૂનના રોજ સાંજના સમયે ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી કેટેક્ષ નોનવુવન્સ પ્રા.લી. કંપનીમાં પતરામાં સ્ક્રૂ મારવાનું કામ કરતો હતો તે દરમિયાન અચાનક સેફટી બેલ્ટ તૂટતા નીચે પટકાતા યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે ગુરૂવારે રાત્રિના સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે આફિસખાન દ્વારા જાણ કરાતા હેકો આર.એમ. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા સલીમ સુલતાનભાઈ દોદાઇ (ઉ.વ.52) નામના પ્રૌઢને વહેલીસવારે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જાવીદ દોદાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સણોસરામાં સેફટી બેલ્ટ તૂટવાથી પટકાયેલા શ્રમિકનું મોત
ખાનગી કંપનીના પતરામાં સ્ક્રુ ફીટ કરતા સમયે અકસ્માત: છતરના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ