જામનગર શહેરના હનુમાન ચોક વિસ્તારમાં લગ્નપ્રસંગમાં બોલાચાલી બાદ પથ્થરમારો કર્યાના બનાવમાં બે વર્ષથી નાસતા-ફરતા આઠ શખ્સોને એલસીબીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં જેઠાભાઈ વાઘેલાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન અશ્વિન રમેશ દુદાકીયા, જયેશ ગોવિંદ વાઘેલા, દિનેશ જેન્તી વાઘેલા, રાજેશ જેન્તી દેગામા, રમેશ મેઘજી વાઘેલા, બળદેવ ઉર્ફે જયેશ મુકેશ દેગામા, દિલીપ મોહન પારેજિયા, સુંદરજી બાબુ પારેજિયા નામના આઠ શખ્સોએ બોલાચાલી કરી અપશબ્દો બોલી પત્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારામાં મકાનના પતરા તોડી નાખ્યા હતાં અને યુવાનને ઈજા પણ થઈ હતી. હુમલાની આ ઘટનામાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આઠ શખ્સો અંગે એલસીબીના દિલીપ તલાવડિયા, અજયસિંહ ઝાલા, સુરેશ માલકિયા, યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા ટીમે અશ્વિન રમેશ દુદાકીયા, જયેશ ગોવિંદ વાઘેલા, દિનેશ જેન્તી વાઘેલા, રાજેશ જેન્તી દેગામા નામના ચાર શખ્સોને નિલકમલ સોસાયટીમાંથી અને અન્ય રમેશ મેઘજી વાઘેલા, બળદેવ ઉર્ફે જયેશ મુકેશ દેગામા, દિલીપ મોહન પારેજિયા, સુંદરજી બાબુ પારેજિયા નામના શખ્સોને સમર્પણ સર્કલ પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જામનગરમાં પથ્થરમારાની ઘટનામાં નાસતા-ફરતા આઠ આરોપી ઝબ્બે
લગ્નપ્રસંગ દરમિયાન અપશબ્દો બોલી પથ્થરમારો કરાયો : એલસીબીએ બાતમીના આધારે ઝડપી લીધા