દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે મેઘરાજાએ કંજુસાઈ કરી, મેઘ વિરામ રાખ્યો હોય તેમ ગઈકાલે તથા આજરોજ સવારે પણ ઉઘાડ વચ્ચે વરાપ રહ્યો હતો.
ખંભાળિયા પંથકમાં ગઇકાલે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને વરસાદી બ્રેક વચ્ચે બપોરે ખંભાળિયા શહેરમાં વરસાદનું હળવું ઝાપટું વરસી ગયું હતું. આ ઉપરાંત આજે પણ સવારથી વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું.
જ્યારે ભાણવડ પંથકમાં ગઈકાલે હળવા ઝાપટા રૂપે 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જો કે અન્ય ત્રણ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન ખંભાળિયામાં 291, ભાણવડમાં 181, કલ્યાણપુરમાં 312 અને દ્વારકા તાલુકામાં 125 મીલીમીટર વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ સરેરાશ વરસાદ જિલ્લામાં 32.23 ટકા થયો છે.
ગત સપ્તાહમાં હવામાન વિભાગ દ્વારા આ જિલ્લામાં સચરાચર અને વ્યાપક વરસાદની આગાહી કરાઇ હતી. પરંતુ કલ્યાણપુર તાલુકાને બાદ કરતાં અન્યત્ર નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જિલ્લાના મોટા ભાગનાં જળાશયો હજુ તળિયાઝાટક છે.