જામનગર સહિત રાજયભરમાં અને દેશભરમાં પણ વેક્સિનની અછત છે. ઉપરાંત વેક્સિન આપવા માટેના કેન્દ્રો પર અનેક પ્રકારની ધાંધલી ચાલે છે. સ્થાનિક અધિકારીઓ અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ વેક્સિન વિતરણ કેન્દ્રો પરની અવ્યવસ્થા પર ધ્યાન આપતાં નથી. જામનગર સહિતના રાજયભરના શહેરોમાં વેક્સિન લેવાં ઇચ્છતાં લાખો લોકો પરેશાન થઇ રહ્યા છે.હજારો લોકો વેક્સિન કેન્દ્રો પર ધકકા ખાઇ રહ્યા છે.
‘ખબર ગુજરાત’ દ્વારા વેક્સિન મુદ્દે ડેપ્યૂટી કમિશ્ર્નર એ.કે.વસ્તાણી તથા મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. ઋજૂતા જોષીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જામનગરમાં અત્યાર સુધીમાં કયારે કયારે, રાજય સરકાર દ્વારા વેક્સિનના કેટલાં ડોઝ મોકલવામાં આવ્યાં? જામનગર મહાનગરપાલિકા દ્વારા વેક્સિનના કેટલાં ડોઝનું લોકોને વિતરણ કરવામાં આવ્યું?આ વિતરણ કઇ કઇ તારીખોએ, કયા-કયા કેન્દ્રો પર, કેટલાં જથ્થામાં કરવામાં આવ્યું? ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાતાં કેમ્પોમાં મહાનગરપાલિકાએ વેક્સિનના કેટલાં ડોઝ કયારે-કયારે આપ્યાં ? જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી ખાનગી હોસ્પિટલોને વેકિસનના કેટલાં ડોઝ, કયારે-કયારે ફાળવવામાં આવ્યાં? આ ઉપરાંત અત્યાર સુધીમાં જામનગરમાં આવેલાં વેક્સિનના કુલ ડોઝ પૈકી કેટલાં ડોઝ નકામા ગયા છે? શા માટે નકામા ગયા છે? ડોઝ નકામા જવાના કિસ્સાઓમાં કોણ જવાબદાર હતું? આ પ્રકારના જવાબદારો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ છે કે કેમ? વગેરે વિગતોનો જવાબ આપવાથી મહાનગરપાલિકા દૂર ભાગે છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડેપ્યૂટી કમિશ્ર્નરની સુચના પછી ‘ખબર ગુજરાત’ને જણાવ્યું હતું કે, પાંચ દિવસ પછી આ તમામ વિગતો પૂરી પાડવામાં આવશે. પાંચ દિવસ પૂર્ણ થયા પછી જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એમ જણાવ્યું છે કે, રાજય સરકાર હસ્તકનું ઇ-વીન પોર્ટલ બંધ છે.આ પોર્ટલ શરૂ ન થાય ત્યાં સુધી વિગતો આપી શકવા અમો અસમર્થ છીએ.
વાસ્તવિકતા એ છે કે, જામનગર મહાનગરપાલિકા વેક્સિનના હિસાબકિતાબો છૂપાવવા ઇચ્છે છે. જામનગર મહાનગરપાલિકા પાસે વેક્સિનની આવક અને વપરાશના તમામ આંકડાઓ મોજુદ હોય તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ મહાનગરપાલિકા આંકડાઓ છૂપાવી પોતાની ચામડી બચાવવા માટે ઇ-પોર્ટલ બંધ છે એવું બહાનું જણાવી રહી છે.