દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે હાલારના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને “ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી”ની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદ પુનમબેનએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર દ્વારા અનેક લોકસુખાકારી યોજનાઓ કાર્યવંત છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આ બેઠક દ્વારા આયોજન અને અમલ બંનેની સમીક્ષા કરી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.”
વધુમાં તેમણે જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી. આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે યોગ્ય પરામર્શ કરી જરૂરીયાતમંદ લોકોને યોજનાઓનો સમયસર લાભ મળી રહે તે માટે સૂચનો પણ કર્યા હતા. આ ઉપરાંત કોરોનાની સંભવીત ત્રીજી લહેરના અગમચેતી પગલારૂપે શહેરી અને ગ્રામ્યકક્ષાએ વેક્સિનેશ તેમજ સંવેદનશીલ જૂથ જેવા કે, સગર્ભા, બાળકો અને ધાત્રીમાતાઓ માટે આગોતરા આયોજનની ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્યની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એમ.જી.એન.આર.ઈ.જી.એ., નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, દિન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી (ગ્રામીણ)આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીકીંગ વોટર પ્રોગ્રામ,ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, ડીઝીટલ ઈન્ડીયા વગેરે જેવી વિવિધલક્ષી લોક ઉપયોગી યોજનાઓની કામગીરીની સમીક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીંટરીંગ કમિટીની રચના કરીને આ બેઠકનું આયોજન કરવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ.જાની, ખંભાળિયા અને દ્વારકાના પ્રાંત અધિકારી, ડી.આર.ડી.એ. નિયામક બી.એન.ખેર, રેલ્વે વિભાગના ડી.આર.એમ.- ભાવનગર અને રાજકોટ તથા ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન મોનીટરીંગ કમીટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.