કેન્દ્ર સરકારે આવામી નવેમ્બર મહિના સુધી ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત કર્યા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 4605 રેશનિંગ દુકાનોમાંથી 2555 દુકાનમાં અનાજનો જથ્થો નહી પહોચતા વિતરણ ખોરવાઈ તેવી ભીતી વ્યકત કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પુરવઠાના ગોડાઉનમાંથી કેન્દ્ર સરકારના અનાજના જથ્થાની ફાળવણી પુરવઠા નિગમને કરવામાં નહી આવતા સસ્તા અનાજના દુકાને માલ પહોચી શકયો નથી જો કે સસ્તા અનાજના દુકાનદારોએ રેગ્યુલર મંગાવેલ અનાજનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે અને તેની ડીલેવરી પણ કરી દેવામાં આવી છે. માત્ર કેન્દ્ર સરકારના મફત અનાજ દુકાને નહી પહોચતા વિતરણ ખોરવાઈ જવાની પ્રબળ સંભાવના છે. ગરીબોને દર મહિને સરકાર દ્રારા મફત અનાજ આપવામાં આવે છે પરતું પુરવઠા તંત્રના પાપે આગોતરા આયોજનના અભાવથી ઘંઉ-ચોખાથી વંચિત રહેવાનો વખત આવ્યો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે. જામનગરની વાત કરીએ તો જીલ્લાની 382 પૈકી 235 દુકાનોમાં પ્રધાનમંત્રી અન્ન યોજનાનો માલ પહોંચ્યો નથી.
પોરબંદર અને સોમનાથ જિલ્લામાં તો એક પણ દુકાને માલ મળ્યો નથી. અગાઉ જિલ્લાના ડોર સ્ટેપ ડીલીવરીના કોન્ટ્રાકટરોના નવા કોન્ટ્રકટ મંજુર નહી થતા 11મીથી શરૂ થનાર મફત અનાજ વિતરણ મોકુફ રાખવામાં આવ્યું હતું હવે કોન્ટ્રકટ પણ અપાઈ ગયા છે ત્યારે દુકાનોમાં અનાજનો જથ્થો નહી મળતા દેકારો બોલવાની શકયતા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના રેશનિંગ દુકાનદારોએ માલ માટે ઓનલાઈન ચલણ ભરી પણ દિધા છે પરતું દુકાને માલ નહી આવતા વેપારીઓમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. દરમિયાન આવતિકાલથી કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવનાર છે પરતું હજુ સુધી દુકાને માલ નહી પહોચતા વિતરણ ટલ્લે ચડે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.