અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે BRTS બસની ઠોકરે આવતા એકટીવા ચાલકનું મૃત્યુ નીપજ્યું છે. છાપા વિતરણનું કામ કરતા યુવકનું મૃત્યુ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા પરિણામે બસ ડ્રાઈવર ગભરાઈને બસ ઉપર ચઢી ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોચીને મામલો થાળે પાડ્યો હતો.
આજે વહેલી સવારે અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે રોંગસાઇડમાં જઈ રહેલ BRTS બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અમદાવાદના ચાણક્યપૂરી વિસ્તારમાં રહેતા જલુભાઈ દેસાઈ છાપા વિતરણનું કામ કરતા હોય સવારે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન BRTS ઇલેક્ટ્રિક બસ-ચાલકે તેને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં લોકોના ટોળા એકઠા થઇ જતા BRTSનો ચાલક ગભરાઈને બસ ઉપર ચઢી ગયો હતો.
મૃતકના પરિવારજનો અને લોકોએ ન્યાય માટે હાય હાય BRTSના નારા લગાવ્યા હતા.અને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહી કરે તેવી માંગ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મામલો થાળે પાડી BRTS બસના ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.