સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરનાર વ્યક્તિઓ અને સૂત્રધારોને શોધી તેઓની સામે જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારના બોગસ બિલીંગથી મેળવવામાં આવેલ ગેરકાયદેસર વેરાશાખની વસુલાત અંગે પણ વિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે.
જે અન્વયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તા. 7ની વહેલી સવારથી કુલ 36 કંપની/પેઢી/બોગસ બિલીંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન અન્ય ઇસમોના ધંધાના તથા રહેઠાણના કુલ 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવી છે.
ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજ ખાતેના કુલ 71 સ્થળોએ વિભાગની 80 ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ 71 સ્થળોમાં ભાવનગરના 42, અમદાવાદ 17, ગાંધીનગરના 5, સુરતના 4, રાજકોટના 2 અને પ્રાંતિજના 1 સ્થળનો સમાવેશ થાય છે.
માધવ કોપર લિ. દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલીંગ થકી વેરાશાખ મેળવવામાં આવતી હોવાની શકયતાના આધારે માધવ કોપર લિ.ના ધંધાના તમામ સ્થળોએ તથા માધવ કોપર લિ. દ્વારા દર્શાવવામાં આવેલ ખરીદી મુજબના શંકાસ્પદ પેઢીઓના સ્થળે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ તપાસની કામગીરી દરમિયાન મોટાપ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા વગેરે મળી આવેલ છે. માધવ કોપર લિ.ના સ્થળોએ તપાસની કામગીરી હાલમાં ચાલુ છે. તપાસની પ્રાથમિક વિગત મુજબ માધવ કોપર લિ.ના સ્થળોએ તપાસની કામગીરી હાલમાં ચાલુ છે. તપાસની પ્રાથમિક વિગત મુજબ માધવ કોપર લિ. દ્વારા આશરે રૂા. 4.25 કરોડની ખરીદી દર્શાવી આશરે રૂા. 75 કરોડની ખોટી વેરાશાખ થકી કરચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ છે.
વધુમાં અન્ય બિલીંગ ઓપરેટર્સના સ્થળોએ સોપેલ તપાસમાં મીનાબેન રંગસિંહ રાઠોડ અને અફઝલ સાદિકઅલી સવજાણીના રહેઠાણના સ્થળોએ પણ તપાસની કાર્યવાહી સમાંતર રીતે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અફઝલ સવજાણીના રહેઠાણના સ્થળેથી મોટાપ્રમાણમાં ડિજિટલ ટેડા, વાંધાજનક સાહિત્ય મળી આવેલ છે. તપાસમાં આ બંને ઇસમો દ્વારા મોટા પ્રમાણમાં બિલીંગ પ્રવૃત્તિ આચરવામાં આવેલ હોવાનું જણાઇ આવેલ છે. મીનાબેન રંગસિંહ રાઠોડ દ્વારા કુલ 32 ઇસમો પાસેથી તેઓને લોન અપાવવામાં તથા અન્ય લાલચ આપી તેઓના ડોક્યુમેન્ટ મેળવવામાં આવેલ. આ 32 ઇસમો પૈકી 24 ઇસમોના નામે તેઓ અને અફઝલ સાદિકઅલી સવજાણી દ્વારા જીએસટી નોંધણી નંબરો મેળવવામાં આવેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં ધ્યાને આવેલ છે.
પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા)એ જુદી જુદી 24 પેઢીઓમાં કુલ રૂા. 577 કરોડના બોગસ બિલીંગ થકી કુલ રૂા. 109 કરોડની વેરાશાખનું કૌભાંડ આચરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડેલ છે. આમ આ ગુના સબબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરના અફઝલ સાદિકઅલી સવજાણીએ જુદી જુદી 25 પેઢીઓમાં કુલ રૂા. 739 કરોડના બોગસ બિલીંગ થકી કુલ રૂા. 135 કરોડની વેરાશાખનું કૌભાંડ આચરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડેલ છે. આમ આ ગુના સબબ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
જેથી અફઝલ સાદિક અલી સવજાણી અને મીનાબેન રંગસિંહ રાઠોડએ તા. 9-7-21ના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજી.ની કોર્ટમાં અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આચરવામાં આવેલ ગુનો ગંભીર પ્રકારનો હોય અને વધુ તપાસ જરુરી હોય, કોર્ટ સમક્ષ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરેલ છે. આ કેસમાં તપાસની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
સ્ટેટ જીએસટી વિભાગના 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડા
ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિતના સ્થળોએ દરોડા