જામનગરમાં લીલાવંતી નેચર કયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર દ્વારા લીલાવંતીબેન શાહની પુણ્યતિથિ નિમિતે આજરોજ યોગ-ગરબાના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શહેરની કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે આયોજીત આ યોગ-ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનોએ જુદા-જુદા ગરબાના તાલે વિવિધ આસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં આજથી બે દિવસ સુધી કુલ 8 સેશનમાં 800 જેટલા લોકો વિવિધ ગરબાના તાલે આસનો કરશે. આજરોજ યોગ-ગરબાનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર, ટ્રસ્ટના રમણિકભાઇ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ-ગરબા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. લીલાવંતી નેચર કયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરના અનોખા કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી તેમજ પ્રાંત અધિકારી આસ્થા ડાંગર પણ ગરબે રમ્યા હતા અને આયોજકો તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.