ગુજરાતમાં રાજકારણ જબરદસ્ત રીતે ગૂંચવણભર્યું બની રહ્યું છે. એક તરફ કાળઝાળ મોંઘવારી છે. બીજી તરફ કોરોના મહામારીમાં મોટી નુકસાની ભોગવી ચૂકેલી અને ભોગવી રહેલી પ્રજાનો વિશાળ વર્ગ આવતીકાલની ચિંતામાં છે. હજારો લોકોની નોકરી જતી રહી છે. સેંકડો બેકારો આપઘાત કરી ચૂકયા છે અને કરી રહ્યા છે. બીજી બાજુ નેતાઓ ખુરશીઓની ગોઠવણમાં વ્યસ્ત છે. લોકોને માસ્ક અને સોશયલ ડિસ્ટન્સના મુદ્દે દંડવામાં આવી રહ્યા છે. સામા પક્ષે સેંકડો રાજકીય, ધાર્મિક અને ખાનગી કાર્યક્રમોમાં વગદાર લોકો આ બધા નિયમોની છડે ચોક મશ્કરી કરી રહ્યા હોય, લોકોમાં તંત્રો અને નેતાઓ પ્રત્યે છૂપો રોષ છે. આ રોષ ચોકકસ સમયે વિસ્ફોટ સર્જી શકે છે.
કેન્દ્રમાં મોદી સરકારે મોટું પ્રધાનમંડળ બનાવી ઘણાં રાજયોની ચૂંટણીઓ પહેલાં ગોઠવણ કરી લીધી છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જ્ઞાતિવાદના અજગરને વધુ એક વખત દુધની તાસક ધરવામાં આવી છે. સરકારનો આ પ્રયાસ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદને વધુ ઝેરીલો બનાવશે. કેન્દ્રની તર્જ પર ગુજરાતમાં પણ મંત્રી મંડળમાં ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ અને આનંદીબેન પટેલની ગુજરાત મુલાકાતના જાહેર કારણો ગમે તે હોય, અસલી કારણોને લોકોને ખબર પડી ચુકી છે. અષાઢી બીજ પછી પ્રધાનમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
રૂપાણી સરકારના મંત્રી મંડળમાં ઘણાં મંત્રીઓ એવા છે જેઓ પ્રત્યે લોકોમાં બહુ સારા પ્રતિભાવો નથી. ઘણાં મંત્રીઓ પક્ષ માટે જવાબદારી બની ચૂકયા છે. કેટલાંક મંત્રીઓ પોતાના મંત્રાલયની કામગીરીમાં નબળાં પૂરવાર થઇ રહ્યા છે.આ પ્રકારના કેટલાંક મંત્રીઓ દિવડા પ્રગટાવવા કે રિબિનો કાપવા જેવાં ઓછાં મહત્વના કામોમાં વ્યસ્ત રહેતાં હોય સરકારની પ્રતિષ્ઠાને વધુને વધુ નુકસાની પહોંચી રહ્યું છે.
2017માં પણ રૂપાણી સરકારને વિધાનસભા ચૂંટણી જીતવામાં ધોળે દિવસે તારા દેખાઇ ગયા હતાં. 2022ની વિધાનસભા ચૂંટણી વિજયભાઇ માટે આકરી પરિક્ષા હશે. રાજકારણના ક્ષેત્રમાં માસ પ્રમોશન હોતું નથી. વિજયભાઇ સહિતના નેતાઓએ ઓફલાઇન પરિક્ષા આપવી જ પડશે. મતદારો ખુબ જ કડક રીતે પેપરો તપાસવાના મુડમાં છે. ઘણી ચૂંટણીઓમાં મતદારો નેતાઓને દયાગુણ (ગ્રેસમાર્ક) આપી ચડાવ પાસ કરી દેતા હોય છે. 2022ની ચૂંટણીમાં આવું બધું થવાની શકયતા ઓછી છે.
બીજી બાજુ કોંગ્રેસ બહુ સારી સ્થિતિમાં નથી. કોંગ્રેસમાં પરંપરા મુજબ કાર્યકરો ઓછાં અને નેતાઓ ઝાઝા છે. આમ આદમી પાર્ટી દિલ્હીની તર્જ પર ગુજરાતમાં જોરદાર મહેનત કરે છે. તેઓની તાકાત ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને હરાવી શકે છે. જેનો આડકતરો ફાયદો ભાજપાને થઇ શકે છે.આ ઉપરાંત મોદી-શાહની જોડી ચૂંટણી ગોઠવણોમાં માહિર છે અને તેઓ બંન્ને પાસે અમાપ સતા અને સંશાધનો છે. પરંતુ લોકશાહીમાં લોકમતનું મુલ્ય ઓછું ન આંકી શકાય. ચૂંટણીઓ એવી ચીજ છે જેમાં ગમે ત્યારે પવન ફરી જતો હોય છે. સમય વર્તીને સઢ ફેરવાનારાઓ મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે. 2022ની ચૂંટણીમાં ઘણાં નેતાઓની હોડીઓ ડૂબવાની સંભાવનાઓ ઉછાળા મારી રહી છે. જેને પરિણામે રાજકીય પક્ષો અને નેતાઓ ફુલ ટેનશનમાં છે. જનતા જનાર્દન ચૂંટણીના પરિણામને આકાર આપવા શકિતમાન હોય છે. જોઇએ હવે, 2022 પહેલાં અને ચૂંટણીના પરિણામના દિવસે શું-શું બને છે? કેમ કે, આ ચૂંટણી 2024ની લોકસભા પહેલાંનો સેમિફાઇનલ હોય બધાં પક્ષો માટે અસ્તિત્વનો સવાલ બની રહી છે.(ખબર ગુજરાત સિરીઝ-2: શત-રંજ: સંજય રાવલ)
ગુજરાતમાં ચૂંટણી પહેલાંના ચકરાવા અને પ્રધાનમંડળની ફેરરચના ના પવનો ફૂંકાઇ રહ્યા છે
2024ની લોકસભા ચૂંટણી પૂર્વે અત્યારથી 2022ની વિધાનસભા ચૂંટણીને સેમિફાઇનલ બનાવવા તમામ રાજકિય પક્ષોની મથામણ