ધ્રોલ તાલુકાના ખંભાલીડા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી ફાયરવિભાગ અને સ્થાનિક લોકોએ મજૂરીકામ કરતી યુવતીના પતિની માનસિક સ્થિતિ સારી ન હોય અને ત્રણ માસથી ઘરેથી જતાં રહ્યા હોય જેથી તેની પત્નીએ બુધવારે સવારે ત્રણ સંતાનો સાથે કૂવામાં પડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતીએ પાઈપ પકડી રાખતા તેનો બચાવ થયો હતો અને ત્રણ માસુમ સંતાનોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ સંતાનોના માતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મૂળ દાહોદના ભે ગામના વતની નરેશ સેનિયાભાઇ ભુરીયા નામના યુવાનની માનસિક સ્થિતિ સારી ન હોય અને ત્રણ માસ પૂર્વે નરેશ તેના વતનમાંથી કયાંક જતો રહયો હતો અને પરત ન આવતા સેનિયાભાઈ તેની પુત્રવધૂ મેસુડીબેન ભુરીયા અને તેણીના ત્રણ સંતાનો રીયા (ઉ.વ.4), માધુરી (ઉ.વ.2.5) અને પુત્ર કનેશ (ઉ.વ.8 માસ) નામના ત્રણ સંતાનો સાથે ધ્રોલ તાલુકાના ખંભાલીડા (મોરારસાહેબ) ગામની સીમમાં આવેલા રામસંગ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતાં અને ખેતરમાં મજૂરી કામ કરતા હતાં દરમિયાન પતિ ત્રણ માસથી પરત ન ફરતા જિંદગીથી કંટાળીને મેસુડીબેને બુધવારે સાવરના સમયે ખેતરના કૂવામાં ત્રણ માસૂમ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને કૂવામાંથી માતા અને તેણીના ત્રણ સંતાનોને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. જેમાં મેસુડીબેનએ પાઈપ પકડી રાખ્યો હતો. જેથી તે જીવિત રહ્યાં હતાં અને સ્થાનિક લોકોએ યુવતીને બહાર કાઢી લીધી હતી. દરમિયાન ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે સ્થાનિક લોકોએ માધુરી, કનેશ નામના બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. જયારે ફાયર વિભાગની ટીમએ રીયા નામની બાળકીનો મૃતદેહ બહાર કાઢયા હતાં. પરંતુ કમનસીબે ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આપઘાતનો પ્રયાસ કરનાર માતા જીવિત રહી ગઈ હતી અને ત્રણ સંતાનોના મોત નિપજ્યા હતાં. પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહોનો કબ્જો સંભાળી સેનિયાભાઈ ભુરિયાના નિવેદનના આધારે મેસુડીબેન નરેશ ભુરિયા વિરૂધ્ધ ત્રણ સંતાનોની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણ માસુમ સંતાનોની હત્યા નિપજાવનાર માતા વિરૂધ્ધ ફરિયાદ
માનસિક બીમાર પતિ ત્રણ માસથી ચાલ્યો ગયો: જિંદગીથી કંટાળીને પત્નીએ ત્રણ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું : પત્ની બચી ગઈ અને ત્રણ સંતાનોના ભોગ લેવાયો