ગાંધીનગરમાં આવેલ કલોલ પૂર્વના જે.પીની લાટી, ત્રિકમનગર, શ્રેયસના છાપરાં સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસો સતત વધી રહ્યા છે. કલોલમાં વધુ એક બાળકીનું કોલેરાથી મૃત્યુ નીપજ્યું છે. પાણીજન્ય રોગના પરિણામે અહીં અત્યાર સુધી 4ના મૃત્યુ નીપજ્યા છે. વધી રહેલા કોલેરાના કેસના પરિણામે મામલતદારે પૂર્વ કલોલમાં ચા અને પાણીપૂરીની લારીઓ તેમજ નોનવેજની લારીઓ બંધ કરવા આદેશ આપ્યો છે.
ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગચાળો જીવલેણ સાબિત થયો છે. કોલેરાના પરિણામે ત્રણ બાળકો સહીત 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે. રોગચાળો કાબૂમાં કરવા માટે આરોગ્ય તંત્રની ટીમ દોડધામ કરી રહી છે. અર્બન-1 તથા અર્બન-2 દ્વારા જુદી જુદી ટીમ બનાવીને ઘરે ઘરે સરવેની કામગીરી હાથ ધરાઈ છે, જે અન્વયે અસરગ્રસ્ત દર્દીઓને ઓઆરએસનાં પૅકેટ તથા દવાઓ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કલોલ નગરપાલિકાની બેદરકારીને કારણે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા કોલેરાના રોગચાળામાં ઝાડા ઉલટીનાં કેસો વધી રહ્યાં છે. છેલ્લા પંદર દિવસથી અનેક ફરિયાદો કરવા છતા પ્રદુષિત પાણીની સમસ્યા યથાવત છે. રોગચાળો કાબૂમાં કરવા માટે મામલતદારે કલોલમાં અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં ચાની લારીઓ તથા નાસ્તા અને નોનવેજની લારીઓ બંધ કરવા સૂચના આપી છે.