Wednesday, December 25, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કંપની અને ખેડૂતો વચ્ચે સાતમા દિવસે પણ સંઘર્ષ...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કંપની અને ખેડૂતો વચ્ચે સાતમા દિવસે પણ સંઘર્ષ યથાવત

ખેડૂતો પોતાની વાત પર અડીખમ: વીજ પોલ સામે દંડવત કરી અનોખો વિરોધ વ્યક્ત કરતા ખેડૂતો : ખેડૂતો દ્વારા આક્ષેપો: પોલીસ વડા તથા કલેકટરને રજૂઆતો કરાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી કંપની જે.કે.ટી.એલ.ની કામગીરી સામે ખંભાળિયા તાલુકા સહિતના ખેડૂતોમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. વીજ કંપની દિવસે ને દિવસે તંત્રનો ઉપયોગ કરી ખેડૂતોના ઉભા પાક પર મશીનો ચલાવી, વીજપોલ ઉભા કરવાની કામગીરી કરી રહી છે. ગઈકાલે સતત છ દિવસથી ખેડૂતો મક્કમતાથી વીજ કંપની સામે લડત કરી પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખેડૂતોની કાયદાકીય દલીલો, કાયદાકીય સવાલો સામે કંપની અને તંત્ર પાંગળુ પુરવાર થતું હોય તેવું ચિત્ર ખડું થઈ રહ્યું છે. દરરોજ કંપની કામ ચાલુ કરે છે અને ખેડૂતો એકઠા થઇ કાયદાકિય સવાલો અને આધાર પુરાવાઓ માંગે છે. કંપની દ્વારા ફરજીયાતપણે કામ બંધ કરવાની ફરજ પડે છે.

મંગળવાર સુધીમાં છ દિવસથી આંદોલનનો ચાલતા આ સીલસીલામા ખેડૂતોનો રોજેરોજ જોમ અને જૂસ્સો વધતો જાય છે. ખેડૂતો રોજેરોજ કામ બંધ કરાવ્યા પછી આશ્ચર્યજનક કાર્યક્રમ કરી, તંત્ર અને ખાનગી કંપનીનો અનોખી વિરોધ કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે ખેડૂતોએ કંપની અને પોલીસ સામે દલીલો કરી કામ બંધ કરાવ્યા બાદ અર્ધા ઉભા થયેલા વીજ પોલ સામે દંડવત કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા વીજ કંપનીના માણસોને પરત મોકલ્યા બાદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા ખેડૂતોએ વિવિઘ મુદ્દે મૌખિક રજુઆત કરી હતી. 

તંત્ર કરવામાં આવેલી રજૂઆતોમાં વીજ કંપની જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો, તેના સિવાય લાગુ પડતા અલગ અલગ કાયદાઓનો અમલ કરે તે જોવાની જવાબદારી જિલ્લા પ્રશાસનની બને છે. પોલના ચાર પાયા અને તાર વાળી જગ્યા સિવાયના અમારા ખેતરમાં કંપનીવાળાઓને પગ મુકવા દેવો કે નહીં એ અમારો ખેડૂતોનો અબાધિત અધિકાર છે. જો રસ્તો આપવા અમારી ખેડૂતોની રજામંદી ન હોય તો કંપનીએ હેલિકોપ્ટરથી ત્યાં જવું પણ અમારા ખેતરમાંથી પસાર ન થવું જોઈએ તેમ પણ જણાવ્યું છે. અમારા ખેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટે નક્કી કરી આપેલા કોરિડોર સિવાયના વિસ્તારમાં વીજ કંપની પ્રવેશ કરે તો તે બિન અધિકૃત પ્રેવશ ગણી કંપની વિરુદ્ધ પોલીસે અમારી ફરિયાદ લેવી જોઈએ અને કાયદાકિય કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ વધુમાં જણાવ્યું હતું. કંપની વાળાઓએ કોઈપણ રીતે ફાઇનલ અપ્રુવલ થયેલા રૂટમાં બદલાવ કર્યો હોવાના આક્ષેપ સાથે આના કારણે અનેક ખેડૂતોના મકાન, કુવા, બોરની તદ્દન નજીક વીજ લાઇન આવી જાય છે. જે કાયદા વિરુધ્ધ કામ થયું કહેવાય. કાયદા વિરૂધ્ધ થતું કામ રોકવાની ફરજ સરકાર અને તંત્રની છે, ત્યારે કાયદા આવા કામ માટે પોલીસ પ્રોટેક્શન શા માટે ફાળવવામાં આવે છે? એવો સવાલ પણ ઉઠાવાયો છે. વીજ કંપની વાળાઓએ ખેડૂતોને કેટલા રૂપિયા આપવામાં આવશે તે બાબતની કોઈ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી. ખેડૂતો સાથે સંપુર્ણ પ્રકારનો લેખિત કરાર કરવામાં આવ્યો નથી તેમ પણ વધુમાં જણાવાયું છે.

ખંભાળિયા તાલુકા સહિત જિલ્લાના ખેડૂતો પોતાના હક્ક અને અધિકાર માટે છેલ્લા એકાદ સપ્તાહથી સતત ઝઝુમી રહ્યા છે અને સાથે સાથે ખેડૂતો લડત કરવા દિવસે-દિવસે વધુ મક્કમ બનતા જાય છે. જો કંપની અને તંત્ર સમાધાન કરવાનો કોઈ રસ્તો અખત્યાર નહિ કરે તો ખેડૂતોની આ લડત વધારે ઉગ્ર બને તો નવાઈ નહિ. ખેડૂતો આ વીજ પોલના રૂટ ઉપર બે દિવસની પદયાત્રા કરશે અને તેમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular