ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 201પમાં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ પોલીસ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ પણ અચંબિત રહી ગઈ હતી અને કહ્યું હતું કે, આ ચોંકાવનારુ, પરેશાન કરનારું, ભયાનક અને આશ્ચર્યજનક છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 201પમાં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.
આની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 201પમાં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.
સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાનો જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.
ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.
દેશભરમાં સાત વર્ષથી IT એકટની કલમનો દુરૂપયોગ થાય છે !
કેન્દ્ર સરકાર દ્વારા અદાલતમાં લુલો બચાવ, કોર્ટની આકરી પ્રતિક્રિયા