ઉત્તરપ્રદેશના મુરાદાબાદ રેલ્વે સ્ટેશન પર પોતાની પ્રેગનેન્ટ માતા બેભાન થઇ જતા માત્ર બે વર્ષની બાળકીએ તેની માતાનો જીવ બચાવ્યો છે. જે વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મુરાદાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મહિલા ગરમીને કારણે બેભાન બની ગઈ હતી. મહિલા પાસે રહેલું તેનું નાનું બાળક પણ હતું. મહિલાની બે વર્ષની બાળકીએ આ જોયું અને પોતાની માતાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણી ન ઉઠતા આ બાળકીની નજર તેનાથી થોડે દુર ઉભેલ આરપીએફની લેડી કોન્સ્ટેબલ પર પડી. તેના નાના પગલા આગળ ધરીને તેણે કોન્સ્ટેબલની આંગળી પકડી. આ જોઈને આરપીએફના જવાનો આશ્ચર્યચકિત થઈ ગયા.
થોડા સમય માટે તેઓ સમજી શક્યા નહીં કે છોકરી શું કહેવા માંગે છે? રડતાં રડતાં આ બાળકી લેડી કોન્સ્ટેબલની આંગળી પકડી ખેંચી રહી હતી. આ પછી મહિલા કોન્સ્ટેબલ તેની પાછળ આવી. જ્યારે કોન્સ્ટેબલ પ્લેટફોર્મ પર બેભાન અવસ્થામાં પડેલી મહિલા પાસે પહોંચ્યા ત્યારે તેની નજર મહિલા પર પડી અને તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમ માત્ર બે વર્ષની બાળકીએ પોતાની માતા અને નાના ભાઈનો જીવ બચાવ્યો છે. આ વિડીઓ સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જીઆરપી દ્વારા બાળ સુરક્ષા ટીમને બાળકો વિશે માહિતી આપવામાં આવી છે. હાલમાં જીઆરપી બન્ને ભાઈબહેનની સંભાળ લઈ રહી છે. તેની માતાને હોશ આવશે ત્યાર બાદ તેની ઓળખ થશે.