પુષ્કરસિંહ ધામીએ રવિવારે સાંજે દેહરાદૂન સ્થિત રાજભવન ખાતે ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ 45 વર્ષીય પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે. ધામી ઉપરાંત વંશીધર, યશપાલ આર્ય, બિશન સિંહને પણ રાજ્યપાલે મંત્રીપદના શપથ અપાવ્યા છે.
ધામીના નામની જાહેરાત શનિવારે દેહરાદૂનમાં થયેલી ભાજપના વિધાયક દળની બેઠકમાં કરાઇ હતી. જો કે, તેઓ મુખ્યમંત્રી બનવા જતાં કેટલાક ભાજપના નેતાઓની નારાજગીની વાતો પણ સામે આવી હતી. સૂત્રોના હવાલાથી કહેવાયું હતું કે, ગઇકાલે સવારથી જ આ મામલે બેઠક કરાઇ રહી હતી. એવી ચર્ચા હતી કે, પાર્ટીના કેટલાક નેતા પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવાને લઇને નારાજ છે. જો કે, ભાજપના ધારાસભ્યોએ આ વાત નકારી હતી. રાજભવન ખાતે શપથગ્રહણ સમારોહમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. સતપાલ મહારાજ, ધનસિંહ રાવત, બિશનસિંહ ચુફલ, મદન કૌશિક, ગણેશ જોશી, અરવિંદ પાંડે, સુબોધ ઉનિયાલ, રેખા આર્યા, બંશીઘર ભગત રાજભવન પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડમાં છેલ્લા 20 વર્ષમાં રાજકીય અસ્થિરતા ચાલુ છે. આ રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં 11 મુખ્યમંત્રી આવ્યા છે, જે પૈકી ભાજપે સાત મુખ્યમંત્રી આપ્યા, જ્યારે કોંગ્રેસ પાર્ટી પ્રદેશને ત્રણ મુખ્યમંત્રી આપ્યા છે. જોકે, ભાજપ શાસનના પાંચ વર્ષના કાર્યકાળમાં પહેલીવાર ઉતરાખંડને ત્રણ-ત્રણ મુખ્યમંત્રી મળ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે તમામ મુખ્યમંત્રીઓ પૈકી કોંગ્રેસના એક માત્ર નારાયણદત્ત તિવારી મુખ્યમંત્રી તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે.