કોરોનાની મહામારીથી બચવા માટે અત્યાર સુધી લોકોને વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ હવે પ્રાણીઓને પણ વેક્સિન આપવામાં આવી છે. અમેરિકાના એક ઝૂ માં પ્રાણીઓને કોરોનાથી બચાવવા માટે વેક્સીન આપવામાં આવી છે. અહીં રીંછ અને વાઘને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ઓકલેન્ડ ઝૂમાં પ્રાણીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. ટાઈગર જિંજર અને મોલી પહેલા એવા 2 જાનવર છે જેમને વેક્સિન આપવામાં આવી છે. એનિમલ હેલ્થ કંપની Zoetis દ્વારા આ વેક્સીન તૈયાર કરવામાં આવી છે. Zoetis તરફથી જાનવરોને વેક્સિનેટ કરવા માટે 11,000 ડોઝ આપવામાં આવ્યા છે. જે 27 રાજ્યોના આશરે 70 ઝૂમાં મોકલવામાં આવશે. અમેરિકામાં વાઘ, રીંછ, ગ્રિજલી બિયર, પહાડી સિંહ અને નોળિયાને આપવામાં આવશે.
ઝૂમાં એનિમલ કેર ના વાઇસ પ્રેસિડેન્ટ એલેક્સ હર્મને જણાવ્યું હતું કે કોઈ પણ પ્રાણીઓને કોરોના થયો નથી. પરંતુ સાવચેતી માટે વેક્સીન આપવામાં આવી રહી છે. પ્રાણીઓ વચ્ચે પણ સોશિયલ ડીસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે. તેમજ પ્રાણીઓની દેખરેખ રાખનારા કર્મચારીઓ પણ પી.પી.ઇ કીટ વગેરે પહેરે છે, જેથી પ્રાણીઓમાં ચેપ ફેલાવાનું જોખમ ન રહે. તેમણે કહ્યું, ‘અમે રાહત અનુભવીએ છીએ કે પ્રાણીઓની રસી આપવામાં આવતાં હવે અમે વધુ સારી રીતે તેમનું રક્ષણ કરી શકીશું.’