આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો તથા તેમના પરિવારો ઉપર થતાં હુમલાઓ રોકવા અને સલામતિ પુરી પાડવા જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી અને મહેશભાઇ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ થઇ રહ્યાં છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેકશન હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કે, કાર્યકર્તાઓ ઉપર છાસવારે થતાં હુમલાઓ અયોગ્ય અને અસ્વિકાર્ય છે. આથી અત્યાર સુધી બનેલી હુમલાની ઘટનાઓની તટસ્થ તપાસ કરવા તેમજ પાર્ટીને પ્રદેશ નેતાઓ તથા તેમના પરિવારજનોને પુરી સલામતિ અને સુરક્ષા પુરી પાડવા આ આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ અંગે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. જામનગર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ કરશન કરમુર, ઉપપ્રુમખ આશિષ કંટારીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી કલેકટર મારફત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું.