જામનગર શહેરમાં ગુલાબનગર જૂની શાક માર્કેટ પાસે આવેલા રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફિલીંગ સ્થળે ત્રાટકીને પોલીસે બે શખ્સોને ઝડપી લઇ ગેસના ખાલી અને ભરેલા બાટલા અને વજનકાંટો તથા રેગ્યુલેટર વાળી નળીઓ સહિતનો રૂા.14,200નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર જૂની શાક માર્કેટ પાસેના વિસ્તારમાં આવેલા ‘ગંગા નિવાસ’ મકાનમાં ગેરકાયદે ગેસ રીફિલીંગનુ કૌભાંડ ચાલતુ હોવાનું બાતમીના આધારે પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન મનિષ ગોરધન નડિયાપરા અને ધર્મેન્દ્ર ગોરધન નડિયાપરા નામના બે ભાઇઓને ઝડપી લઇ તેમની પાસેથી ઇન્ડેન કંપનીના રૂા.3600ની કિંમતના બે ગેસ ભરેલા બાટલા અને રૂા.5400ની કિંમતના એચપી કંપનીના ત્રણ નંગ ગેસ ભરેલા બાટલા તથા રૂા.2000ની કિંમતના ભારત ગેસના બે ખાલી બાટલા તથા રૂા.1800ની કિંમતનો જૂનો ગેસ ભરેલો બાટલો તેમજ ગેસ ટ્રાન્સફર કરવા માટે રેગ્યુલેટર વાળી બે નળીઓ અને ઇલેકટ્રીક ડિજીટલ કાંટો સહિતનો રૂા.14,200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ભાઇઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ગુલાબનગરમાંથી ગેસ રીફિલીંગ કૌભાંડ ઝડપાયું
રહેણાંક મકાનમાં પોલીસના દરોડામાં બે ભાઇઓ ઝબ્બે: ગેસના જુદી-જુદી કંપનીના ખાલી તથા ભરેલા બાટલા સહિત 14,200 નો મુદ્દામાલ કબ્જે