Friday, October 18, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હાથતાળી: વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હાથતાળી: વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો

પખવાડિયા પૂર્વેના ધોધમાર વરસાદ બાદ લાંબા વિરામથી લોકો ચિંતીત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પખવાડિયા પૂર્વે વરસોલા પ્રથમ અને નોંધપાત્ર વરસાદ બાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદની બ્રેકથી ધરતીપુત્રો સાથે લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં પ્રથમ ચરણમાં વરસી ગયેલા મોસમના 22 ટકા સુધીના વરસાદ ખેંચાયેલા વરસાદથી અનેક ખેતરોમાં પિયત કરવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ 19 જૂનના રોજ આવેલા પ્રથમ અને નોંધપાત્ર વરસાદ બે દિવસના સમયગાળામાં ખંભાળિયા તાલુકામાં 174 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 108, કલ્યાણપુર તાલુકામાં 92 અને ઓખામંડળમાં માત્ર 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 22.25 ટકા તેમજ ભાણવડ તાલુકામાં 15.36 ટકા, કલ્યાણપુરમાં 11.12 ટકા અને દ્વારકા તાલુકામાં 1.58 ટકા વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ રાખતા ખાસ કરીને ધરતીપુત્રોના જીવ ઉચ્ચક બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તારીખ 4 જુલાઈ-2020 સુધીમાં ખંભાળિયા તાલુકામાં 280, ભાણવડ તાલુકામાં 167, કલ્યાણપુર તાલુકામાં 265 અને ઓખામંડળમાં 96 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે 5 જુલાઈ 2020ના રોજ વધુ આઠ મિલીમીટર ખંભાળિયામાં, 31 મી.મી. ભાણવડ, 105 મી.મી. કલ્યાણપુર અને 52 મી.મી.દ્વારકા તાલુકામાં મળી 5 જુલાઈ-2028 સુધી મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 288, ભાણવડ તાલુકામાં 198, કલ્યાણપુર તાલુકામાં 370 અને દ્વારકા તાલુકામાં 148 મીમી પડી ચૂક્યો હતો.

આમ, આજ સુધી ગત વર્ષ કરતાં ખંભાળિયા તાલુકામાં 40 ટકા જ્યારે દ્વારકા તાલુકામાં 90 ટકા સુધી ઓછો વરસાદ આ વરસે વરસ્યો છે. ખંભાળિયા સહિત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો નથી. આટલું જ નહીં, વરસાદી સિસ્ટમ માટે જરૂરી બફારો તેમજ ગરમીનું પ્રમાણ પણ ઓછું છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક આગાહી આગામી નજીકના દિવસોમાં વરસાદ વરસવાની શક્યતા નહિવત છે.     હાલની પરિસ્થિતિમાં પખવાડિયાથી વરસાદ ખેંચાઈ જતા અને આગામી બે- ચાર દિવસમાં વરસાદ વરસવાની શક્યતા ઓછી જણાતા ખાસ કરીને કેટલાક વિસ્તારના ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ખંભાળિયા તાલુકાના જામનગર પટ્ટી તથા શહેરની નજીકના વિસ્તારોમાં 5 થી 7 ઈંચ મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે. જેથી અનેક સ્થળોએ બોર, કુવાઓ રિચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે દ્વારકા પટ્ટીના ગામોમાં બે થી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ વચ્ચે ભીમ અગિયારસ દિવસોમાં મોટાભાગના ખેડૂતોએ તો વાવણીના સકન સાચવ્યા છે. પરંતુ હાલ વરસાદ ખેંચાઈ જતા બોર- કુવા તથા પાણીની પૂરતી સગવડ અભાવે આવા ખેડૂતો ચિંતાતુર બન્યા હોવાનું જાણવા મળેલ છે. અને અનેક ખેતરોમાં પિયત માટે કુવાના પાણીનો ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ખંભાળિયા સહિત જિલ્લામાં ખેડૂતો મોટાભાગે મગફળી તથા કપાસનું વાવેતર કરે છે. હાલ વાવેતર બાદ પિયત મોસમની મોસમ હોય, જો સમયસર અને અનિવાર્ય મનાતોતો વરસાદનો વઘુ એક રાઉન્ડ નહિ આવે તો બિયારણ ફેઈલ જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે. ખંભાળિયા સહિત જિલ્લામાં પીવાના પાણીનો હાલ કોઈ ગંભીર પ્રશ્ન નથી. પરંતુ વરસાદ ખેંચાઇ જતાં ખાસ કરીને ધરતીપુત્રોના મગજમાં ચિંતાના વાદળો વધુ ધેરાં બની રહ્યા છે. આગામી દિવસોમાં મુશળધાર વરસાદમાં વધુ એક રાઉન્ડ આવે તે માટે લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular