ગુજરાતના પાઠયપુસ્તક મંડળ દ્વારા રાજયમાં પર્યાપ્ત પ્રમાણમાં પાઠયપુસ્તકોની ફાળવણી કરવામાં આવી નથી. બીજી તરફ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8ના છાત્રો માટે એકમ કસોટીની જાહેરાત કરવામાં આવતાં છાત્રો તથા વાલીઓ મૂંઝવણમાં છે.
શિક્ષણ વિભાગ દ્વારા ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમ કસોટી 20થી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં ઉત્તરવહીઓ શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્ર્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટકમ્સને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. એટલે કે ધો.8ના વિદ્યાર્થીઓ માટે ધો.7ના લર્નિંગ આઉટકમ્સના આધારે પેપર તૈયાર કરવામાં આવશે.
કોવિડ-19 સમય દરમિયાન વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રમાં રાજ્યની શાળાઓમાં ગત વર્ષની જેમ વિવિધ માધ્યમથી હોમ લર્નિંગની પ્રક્રિયા અમલમાં છે. હોમ લર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ-2021માં રાબેતા મુજબ લેવાનારા સામયિક મૂલ્યાંકન કસોટી અંગે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી જુલાઈ માસમાં ધો.3થી 8માં 16 જેટલા વિષયની કસોટી યોજવામાં આવનાર છે.
જુલાઈ માસમાં યોજાનારી એકમ કસોટીમાં ધો.3માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત વિષયની કસોટી લેવામાં આવશે જ્યારે ધો.4માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત, ધો.5માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે. ધો.6માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજી, ધો.7માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજીની પરીક્ષા લેવાશે જ્યારે ધો.8માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજીની પરીક્ષા લેવાશે. ધો.3થી 5માં 25 ગુણની પરીક્ષા હશે જ્યારે ધો.6થી 8માં 50 ગુણની પરીક્ષા લેવામાં આવશે.
અન્ય માધ્યમ માટે ગુજરાતીના બદલે પ્રથમ ભાષાની કસોટી લેવામાં આવશે. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીના બાદલે ગુજરાતી દ્વિતીય ભાષાની કસોટી લેવામાં આવશે. વિદ્યાર્થીઓની પ્રવર્તમાન શૈક્ષણિક સ્થિતિ જાણવાના હેતુસર પ્રથમ સામયિક કસોટી જે તે ધોરણમાં અગાઉનાં ધોરણના લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવશે. જેમ કે, ધો.8માં ગુજરાતીની કસોટી ધો.7 સુધીના લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવશે.
આ સામયિક મૂલ્યાંકન કસોટી 20 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. 19 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે. 20 જુલાઇના રોજ જીસીઈઆરટીની વેબસાઇટ પર પણ તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠય પુસ્તકની અનુક્રમણિકા પરના ક્યુઆર કોડ પરથી મેળવી શકાશે. કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકુળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે જોવાનું રહેશે. કસોટીની ઉત્તરવહીઓ 30 જુલાઈ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવા માટે જણાવાયું છે. ધો.4થી 8માં કસોટીના ઉત્તરો ગત વર્ષની એકમ કસોટીના નોટબુકમાં લખવાના રહેશે.
છાત્રોને પુસ્તકો પહોંચાડયા પહેલાં પરિક્ષાની જાહેરાત !
જામનગર સહિત ઘણાં જિલ્લાઓમાં હજુ છાત્રોને પુસ્તકો મળ્યાં નથી: ધોરણ 3 થી 8 માટે એકમ કસોટીની જાહેરાત કરતી સરકાર