ભાણવડ તાલુકાના જસાપર ગામમાં દોઢ માસ પૂર્વે થયેલી મારામારીમાં વચ્ચે પડયાનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ પાવડા વડે હુમલો કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, ભાણવડ તાલુકાના જસાપર ગામે રહેતા મથુરભાઈ ભીમાભાઈ ગાગલીયા નામના 40 વર્ષના આહીર યુવાને આ જ ગામના જગા દેવશીભાઈ કરમુર તથા ભરત જગાભાઈ કરમુર નામના બે શખ્સો સામે બીભત્સ ગાળો કાઢી, પાવડાના હાથાનો ઘા ફટકારીને ઈજા કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે.
આરોપીઓએ દોઢેક માસ પહેલા ફરિયાદી મથુરભાઈના કૌટુંબિક ભાઈ હમીરભાઈને માર માર્યો હતો, તે સમયે વચ્ચે છોડાવવા બાબતનો ખાર રાખી આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ઉપરોક્ત બનાવ અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.